Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બેન ફોક્સે થ્રિલરમાં બેન સ્ટોક્સની બાજી બગાડી નાખી

બેન ફોક્સે થ્રિલરમાં બેન સ્ટોક્સની બાજી બગાડી નાખી

Published : 01 March, 2023 10:54 AM | Modified : 01 March, 2023 11:07 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલિંગ્ટન ટેસ્ટના દિલધડક મુકાબલામાં ન્યુ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને એક રનથી હરાવીને સિરીઝ ૧-૧થી બરાબરીમાં લાવી દીધી ઃ વિલિયમસન મૅચનો, હૅરી બ્રુક સિરીઝનો અવૉર્ડવિજેતા

કિવી વિકેટકીપર બ્લન્ડેલે છેલ્લા બૅટર ઍન્ડરસનનો કૅચ પકડતાં જ બોલર વૅગ્નર ખુશખુશાલ થઈ ગયો હતો. (તસવીર : એ.એફ.પી.)

ENG vs NZ

કિવી વિકેટકીપર બ્લન્ડેલે છેલ્લા બૅટર ઍન્ડરસનનો કૅચ પકડતાં જ બોલર વૅગ્નર ખુશખુશાલ થઈ ગયો હતો. (તસવીર : એ.એફ.પી.)


ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે વેલિંગ્ટનમાં ઇંગ્લૅન્ડને સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટમાં માત્ર એક રનથી હરાવીને શ્રેણી ૧-૧થી બરાબરીમાં લાવી દીધી હતી. ન્યુ ઝીલૅન્ડે બીજા દાવમાં કમબૅક કરી ૪૮૩ રન બનાવીને ઇંગ્લૅન્ડને ૨૫૮ રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો અને બેન સ્ટોક્સની ટીમ પહેલી ટેસ્ટ જીતી ચૂકી હોવાથી આ મૅચ પણ જીતીને કિવીઓનો તેમના જ આંગણે ૨-૦થી વાઇટવૉશ કરવાનો તેમને સારો મોકો હતો, પરંતુ બ્રિટિશ ટીમ ૭૫મી ઓવરમાં ૨૫૬મા રને ઑલઆઉટ થતાં કિવીઓએ હોમ-ગ્રાઉન્ડ પર મુખ્ય ફાસ્ટ બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ અને કાઇલ જૅમિસનની ગેરહાજરીમાં અભૂતપૂર્વ ટેસ્ટ-જીત માણી હતી.


વિકેટકીપર બેન ફોક્સ (૩૫ રન, ૫૭ બૉલ, ચાર ફોર) બહુ સારું રમી રહ્યો હતો અને તે જ ઇંગ્લૅન્ડને વિજય અપાવશે એવું ચોક્કસપણે લાગતું હતું. આખી મૅચમાં કુલ ચાર કૅચ પકડવા ઉપરાંત એક બ્રિટિશ બૅટરને રનઆઉટ કરનાર ફોક્સ ૭૨મી ઓવરમાં ટિમ સાઉધીના બાઉન્સરમાં પુલ-શૉટ મારવા જતાં ફાઇન લેગ પર નીલ વૅગ્નરને કૅચ આપી બેઠો હતો. તેણે કટોકટીના સમયે મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પોતે વિકેટ ગુમાવી છે એવું ખુદ તેના પણ માનવામાં નહોતું આવતું. તે નિરાશ હાલતમાં પૅવિલિયનમાં પાછો ગયો હતો અને બે ઓવર બાદ વૅગ્નરે જેમ્સ ઍન્ડરસનને વિકેટકીપર ટૉમ બ્લન્ડેલના હાથમાં કૅચઆઉટ કરાવતાં જ જીત ન્યુ ઝીલૅન્ડના નામે લખાઈ ગઈ હતી.



૩૦ વર્ષે ફરી ૧ રનનો તફાવત


ટેસ્ટ-ક્રિકેટમાં કોઈ મૅચનું પરિણામ ફક્ત એક રનના માર્જિનથી આવ્યું હોય એવું પહેલી વાર ૧૯૯૩માં (૩૦ વર્ષ પહેલાં) ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચમાં બન્યું હતું. એમાં રિચી રિચર્ડસનની ટીમ સામે એલન બોર્ડરની ટીમ ૧૮૬ રનના લક્ષ્યાંક સામે ૧૮૪ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

કર્ટલી ઍમ્બ્રોઝે ચાર અને કોર્ટની વૉલ્શે ત્રણ તથા ઇયાન બિશપે બે વિકેટ લીધી હતી.


ન્યુ ઝીલૅન્ડે ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝમાં અપરાજિત રહેવાની ૨૦૧૭ની સાલથી ચાલતી પરંપરા જાળવી રાખી છે.

ટેસ્ટ-ક્રિકેટને મળ્યું નવજીવન

છેલ્લા થોડા સમયથી કેટલીક ટેસ્ટ-મૅચ બેથી ત્રણ દિવસમાં જ પૂરી થઈ જતી હોવાથી ટેસ્ટ-ક્રિકેટના અસ્તિત્વ સામે ફરી ખતરો ઊભો થયો હતો, પરંતુ ગઈ કાલે એક રનના તફાવત સાથે આવેલા ટેસ્ટના પરિણામે ટેસ્ટ-ક્રિકેટને ફરી લોકપ્રિય બનાવી દીધું છે.

જો રૂટના ૯૫ રન ગયા પાણીમાં

ઇંગ્લૅન્ડના ૨૫૬ રનમાં જો રૂટ (૯૫ રન, ૧૧૩ બૉલ, ૧૮૩ મિનિટ, ત્રણ સિક્સર, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું જે એળે ગયું હતું. ઓપનર બેન ડકેટે ૪૩ બૉલમાં ૩૩ રન અને કૅપ્ટન બેન સ્ટોક્સે મહામહેનતે (અઢી કલાક ક્રીઝ પર રહીને) ૧૧૬ બૉલમાં ૩૩ રન બનાવ્યા હતા અને એ પણ પાણીમાં ગયા હતા. નીલ વૅગ્નરે ચાર, કૅપ્ટન ટિમ સાઉધીએ ત્રણ અને મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી.
ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસન (૧૩૨ રન, ૨૮૨ બૉલ, ૪૪૭ મિનિટ, બાર ફોર)ને બીજા દાવની યાદગાર ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. બીજા દાવમાં પોતાના ઝીરો પર જ રનઆઉટ થયેલા ઇંગ્લૅન્ડના બૅટર હૅરી બ્રુકને હાઇએસ્ટ ૩૨૯ રન બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

ફૉલો-ઑન છતાં મેળવી જીત : વીવીએસની જેમ વિલિયમસન હીરો બની ગયો

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસને આ અભૂતપૂર્વ ટેસ્ટના પ્રથમ દાવમાં માત્ર ચાર રન બનાવ્યા હતા, પરંતુ ન્યુ ઝીલૅન્ડને ફૉલો-ઑન મળ્યા પછી તેણે મુખ્ય રોલ ભજવ્યો હતો. તેણે સાડાસાત કલાક સુધી ક્રીઝ પર રહીને ૨૮૨ બૉલમાં ૧૩૨ રન બનાવ્યા હતા અને ન્યુ ઝીલૅન્ડને જિતાડ્યું હતું. તેના આ પર્ફોર્મન્સ પરથી માર્ચ ૨૦૦૧માં ઈડન ગાર્ડન્સમાં ઑસ્ટ્રેલિયા સામે વીવીએસ લક્ષ્મણે (૨૮૧ રન, ૪૫૨ બૉલ, ૬૩૧ મિનિટ, ૪૪ ફોર) જે યાદગાર પર્ફોર્મ કર્યું હતું એની યાદ તાજી થઈ ગઈ હતી. ભારતે ત્યારે ફૉલો-ઑન બાદ બીજા દાવમાં ૯ કાંગારૂ બોલર્સની બોલિંગ છતાં લક્ષ્મણ ઉપરાંત રાહુલ દ્રવિડ (૧૮૦ રન, ૩૫૩ બૉલ, ૪૪૬ મિનિટ, ૨૦ ફોર)ની ઇનિંગ્સની મદદથી ૬૫૭/૭ના સ્કોર પર દાવ ડિક્લેર કરીને ઑસ્ટ્રેલિયાને ૩૮૪નો લક્ષ્યાંક આપ્યો હતો અને તેઓ હરભજનની ૬ અને સચિનની ત્રણ વિકેટને કારણે ૨૧૨ રનના સ્કોરે આઉટ થઈ જતાં ભારતનો ૧૭૧ રનથી વિજય થયો હતો.

1
બેન સ્ટોક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડ છેલ્લી ૭માંથી આટલી ટેસ્ટ હાર્યું છે. કુલ મળીને સ્ટોક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડની આ બીજી જ હાર છે.

4
કોઈ ટીમ ફૉલો-ઑન થયા બાદ ટેસ્ટ જીતી હોય એવી આ આટલામી ઘટના હતી. ઇંગ્લૅન્ડે ૧૮૯૪ તથા ૧૯૮૧માં અને ભારતે ૨૦૦૧માં આ પ્રકારનો રોમાંચક વિજય 
મેળવ્યો હતો.

બેન સ્ટોક્સ (ઇંગ્લૅન્ડનો કૅપ્ટન)

અમે હારી ગયા, પરંતુ આ અવિસ્મરણીય મૅચની ટીમ હોવા બદલ પોતાને નસીબવાન માનીઅે છીઅે. ફૉલો-ઑન આપવા બદલ કોઈ અફસોસ નથી. અમે હાર્યા અેની નિરાશા કરતાં મુકાબલો જે રીતે થ્રિલર બની ગયો અેનો વધુ આનંદ છે.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2023 11:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK