તેણે જુલાઈ ૨૦૨૨માં ૧૬ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરને ગુડબાય કર્યા
ઇયોન મૉર્ગન
૨૦૧૯માં ઇંગ્લૅન્ડને બહેતરીન કૅપ્ટન્સીથી વન-ડેનો વર્લ્ડ કપ જિતાડનાર ૩૬ વર્ષના ઇયોન મૉર્ગને તાત્કાલિક અમલમાં આવે એ રીતે તમામ પ્રકારના પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. તેણે જુલાઈ ૨૦૨૨માં ૧૬ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરને ગુડબાય કર્યા બાદ હવે લીગ ટુર્નામેન્ટ સહિતની પ્રોફેશનલ ક્રિકેટમાં રમવાનું પણ છોડી દીધું છે. તે બ્રૉડકાસ્ટર તરીકે પ્રોફેશનલ ક્રિકેટ સાથે સંકળાયેલો રહેવા માગે છે. તેને કોચ બનવા માટે પણ ઘણી ઑફર મળી શકે એમ છે.
તાજેતરમાં એઇડન માર્કરમના સુકાનમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ નામની ટીમે સાઉથ આફ્રિકાની એસએ૨૦ નામની જે સૌપ્રથમ ટી૨૦ લીગ ટુર્નામેન્ટ પ્રીટોરિયા કૅપિટલ્સને ફાઇનલમાં હરાવીને જીતી લીધી એમાં મૉર્ગન પાર્લ રૉયલ્સ ટીમ વતી રમ્યો હતો. અબુ ધાબીની ટી૧૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં પરાજિત થનાર ન્યુ યૉર્ક સ્ટ્રાઇકર્સ ટીમમાં તે હતો અને ગયા વર્ષે તેણે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં લંડન સ્પિરિટ ટીમને એલિમિનેટર સુધી પહોંચાડી હતી. મૉર્ગને ૨૪૮ વન-ડેમાં ૭૭૦૧ રન, ૧૧૫ ટી૨૦માં ૨૪૫૮ રન અને ૧૬ ટેસ્ટમાં ૭૦૦ રન બનાવ્યા હતા.