લિઆમ લિવિંગસ્ટને તોફાની સેન્ચુરી ફટકારીને ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી
૧૨૪ રન અને એક વિકેટ લઈને લિઆમ લિવિંગસ્ટન બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.
યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને મહેમાન ટીમ ઇંગ્લૅન્ડ વચ્ચે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝ રોમાંચક બની ગઈ છે. બીજી વન-ડે મૅચમાં ૧૫ બૉલ પહેલાં પાંચ વિકેટે જીત મેળવીને ઇંગ્લૅન્ડે વન-ડે સિરીઝને ૧-૧થી બરાબર કરી દીધી છે. વેસ્ટ ઇન્ડીઝે પહેલી વન-ડેમાં DLS મેથડ મુજબ ૮ વિકેટે જીત મેળવી હતી. બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝે ૬ વિકેટ ગુમાવીને ૩૨૮ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે ૪૭.૩ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે ૩૨૯ રન ફટકારીને જીત મેળવી છે.
કૅપ્ટન સાઇ હોપની ૧૧૭ રનની શાનદાર ઇનિંગ્સની મદદથી વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઇંગ્લૅન્ડને સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમનો સૌથી મોટો વન-ડે ટાર્ગેટ ચેઝ કરવાનો પડકાર આપ્યો હતો. ઇંગ્લૅન્ડના કૅપ્ટન લિઆન લિવિંગસ્ટને (૧૨૪ રન) ૭૭ બૉલમાં સેન્ચુરી ફટકારીને આ મેદાનનો સૌથી મોટો ૩૨૯ રનનો વન-ડે ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ પહેલાં ડિસેમ્બર ૨૦૨૩માં ઇંગ્લૅન્ડે આપેલો ૩૨૫ રનનો ટાર્ગેટ ચેઝ કરીને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ મેદાન પર હાઇએસ્ટ વન-ડે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ બની હતી.
ADVERTISEMENT
આ મેદાન પર છેલ્લી ૭ મૅચમાં રન ચેઝ કરનારી ટીમ જીતી રહી છે. સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મૅચ ૬ નવેમ્બરે બાર્બેડોઝમાં રમાશે.