વિવાદમાં સપડાયેલા ડબલ સેન્ચુરિયન જૈસવાલને છેવટે મળ્યો મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ
Duleep Trophy
યશસ્વી જૈસવાલને ગઈ કાલે મેદાનમાંથી જતા રહેવાનું કહી રહેલો કૅપ્ટન અજિંક્ય રહાણે.
કોઇમ્બતુરમાં ગઈ કાલે પાંચ દિવસીય દુલીપ ટ્રોફીની ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને ૨૯૪ રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું એ પહેલાં મૅચ દરમ્યાન અભૂતપૂર્વ વિવાદ થયો હતો, જેમાં વેસ્ટ ઝોનના કૅપ્ટન અજિંક્ય રહાણેએ હરીફ ટીમના બૅટર રવિ તેજા સામે સ્લેજિંગમાં અતિરેક કરવા બદલ પોતાના જ ઓપનિંગ બૅટર અને બીજા દાવમાં ૨૬૫ રન બનાવનાર યશસ્વી જૈસવાલને ગેરશિસ્ત બદલ મેદાનની બહાર મોકલી દઈને અનેરું ઉદાહરણ સ્થાપ્યું હતું.
વેસ્ટ ઝોને પ્રથમ દાવમાં હેત પટેલના ૯૮ રનની મદદથી ૨૭૦ રન બનાવ્યા બાદ સાઉથ ઝોને ૩૨૭ રન બનાવીને ૫૭ રનની લીડ લીધી હતી. જોકે વેસ્ટ ઝોને યશસ્વી જૈસવાલ (૨૬૫ રન, ૩૨૩ બૉલ, ચાર સિક્સર, ત્રીસ ફોર)ની ડબલ સેન્ચુરી, સરફરાઝ ખાનના અણનમ ૧૨૭ રન, શ્રેયસ ઐયરના ૭૧ રન અને હેત પટેલના અણનમ ૫૧ રનની મદદથી ૪ વિકેટના ભોગે બનાવેલા ૫૮૫ રને દાવ ડિક્લેર કર્યો હતો. ગઈ કાલે સાઉથ ઝોન ૫૨૯ રનના લક્ષ્યાંક સામે ૨૩૪ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.
ADVERTISEMENT
સાઉથ ઝોન વતી બીજા દાવમાં રવિ તેજા (૯૭ બૉલમાં ૫૩ રન)નું સૌથી મોટું યોગદાન હતું. રવિએ વારંવાર અમ્પાયરને ફરિયાદ કરી હતી કે ક્રીઝની નજીક ફીલ્ડિંગ કરતો યશસ્વી જૈસવાલ વારંવાર શાબ્દિક પ્રહારો કરી રહ્યો છે. અમ્પાયરની વધુ એક ફરિયાદ આવતાં રહાણેએ યશસ્વી સાથે મેદાન પર થોડી વાર ઉગ્ર ચર્ચા કર્યા બાદ તેને મેદાન છોડી જવા કહ્યું હતું. પરિણામે, વેસ્ટ ઝોનની ટીમ ૧૦ પ્લેયરની થઈ ગઈ હતી. સાત ઓવર બાદ યશસ્વી પાછો રમવા આવ્યો હતો અને મૅચ પછી (વેસ્ટ ઝોન વિજેતા થયું ત્યાર બાદ) યશસ્વીને ડબલ સેન્ચુરી બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
રહાણેની કૅપ્ટન્સીમાં સિદ્ધાંતભર્યા અભિગમની અગાઉ પણ ઝલક જોવા મળી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં ભારતે રહાણેના સુકાનમાં કાંગારુલૅન્ડ પર ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ જીતી, એ શ્રેણીમાં સિરાજ જ્યારે પ્રેક્ષકોના વાંશિક પ્રહારોનો શિકાર થયેલો ત્યારે રહાણેએ મૅચ-રેફરીને ફરિયાદ કરીને મામલો વ્યવસ્થિત રીતે હાથ ધર્યો હતો.
ગઈ કાલે કૅપ્ટન અજિંક્ય રહાણે (એકદમ ડાબે) સાથીઓને ટ્રોફી આપીને એક છેડે ઊભો રહી ગયો હતો.
13
વેસ્ટ ઝોનના જયદેવ ઉનડકટે દુલીપ ટ્રોફીની ૩ મૅચમાં ૧૪.૦૭ની સરેરાશે કુલ આટલી વિકેટ લીધી તેમ જ ૫૦ રન બનાવ્યા જે બદલ તેને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો.
હું હંમેશાં હરીફ ખેલાડીઓ, અમ્પાયરો અને મૅચના અધિકારીઓનું માન જાળવવામાં માનું છું એટલે અમુક બનાવોને ચોક્કસ રીતે હાથ ધરવા પડે. : અજિંક્ય રહાણે