સોમવારની ફાઇનલમાં ડૉન બૉસ્કોની ટીમે પ્રથમ બૅટિંગમાં ૩૫ ઓવરમાં ૩૧૭ રન બનાવ્યા હતા,
ડૉન બૉસ્કો હાઈ સ્કૂલ
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ૩૫ ઓવરની નૉકઆઉટ આધારિત આઠ સ્કૂલ ટીમ વચ્ચેની ક્રિકેટ સ્પર્ધામાં ડૉન બૉસ્કો હાઈ સ્કૂલ વિજેતા બની છે. સોમવારની ફાઇનલમાં ડૉન બૉસ્કોની ટીમે પ્રથમ બૅટિંગમાં ૩૫ ઓવરમાં ૩૧૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલે ફક્ત ૧૩૧ રન બનાવતાં ડૉન બૉસ્કોની ટીમનો ૧૮૬ રનથી વિજય થયો હતો. ફાઇનલમાં ચૅમ્પિયન ટીમ વતી વરુણ દોશીનું ૧૪૯ રનનું મુખ્ય યોગદાન હતું. તેને કુલ ૩૨૪ રન બદલ ક્રિકેટર ઑફ ધ ટુર્નામેન્ટનો, અર્ણવ ગુપ્તા (૧૫ વિકેટ)ને બેસ્ટ બોલરનો અને ડાલરોન રૉડ્રિગ્સ (૨૮૫ રન)ને બેસ્ટ બૅટરનો અવૉર્ડ અપાયો હતો. ઇનામ વિતરણ સમારોહમાં ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રસ્ટી, અધ્યક્ષ તેમ જ કમિટી મેમ્બર્સ સહિતના પદાધિકારીઓ અને મહેમાનોએ હાજરી આપી હતી.