ઇંગ્લૅન્ડ સામે પહેલી ઇનિંગ્સમાં ૨૦૯ રનમાં ઑલઆઉટ થનાર યજમાન ટીમે બીજી ઇનિંગ્સમાં કર્યા ૩ વિકેટે ૨૦૨ રન
અનુભવી કેન વિલિયમસન પર રહેશે દારોમદાર.
વેલિંગ્ટનમાં રમાતી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં ખરાબ રમત રમનાર ન્યુ ઝીલૅન્ડે ફૉલોઑન મળ્યા બાદ ટૉમ લૅથમ (૮૩) અને ડેવોન કૉન્વે (૬૧)એ સદીની ભાગીદારી કરીને લડત આપી હતી. જોકે તેમના પર ઇંગ્લૅન્ડ સામેની બીજી મૅચ અને સિરીઝ ગુમાવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઇંગ્લૅન્ડના ૮ વિકેટે ૪૩૫ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડ પહેલી
ઇનિંગ્સમાં ૨૦૯ રનમાં ઑલઆઉટ થયું હતું, જેમાં ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે સવારે ત્રણેય પૂંછડિયાઓને આઉટ કર્યા હતા.
ઇગ્લૅન્ડે ફૉલોઑન આપતાં ન્યુ ઝીલૅન્ડે ૮૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૦૨ રન કર્યા હતા અને હજી ઇંગ્લૅન્ડના સ્કોરથી એ ૨૬ રન પાછળ છે. એની ૭ વિકેટ હજી બાકી છે એથી ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડને સારી એવી લીડ આપીને મૅચને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરશે.
શનિવારે સાંજે ૭ વિકેટે ૧૩૮ રનના સ્કોરને આગળ ધપાવતાં ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન ટિમ સાઉધી (૭૩) આક્રમક રમત રમ્યો હતો, પણ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી શક્યો નહોતો. સાઉધી અને ટૉમ બ્લન્ડેલ (૩૮) વચ્ચે આઠમી વિકેટ માટે ૯૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. એવું લાગતું હતું કે ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૩૬ના ફૉલોઑનના આંકડાને પાર કરશે, પરંતુ એ પહેલાં કૅપ્ટન આઉટ થઈ ગયો હતો. ન્યુ ઝીલૅન્ડે બીજી ઇનિંગ્સની શરૂઆત સારી કરી હતી. લૅથમ અને કૉન્વે વચ્ચે ઓપનિંગ વિકેટ માટે ૧૪૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. કૉન્વેની વિકેટે જૅક લીચે લીધી હતી. ત્યાર બાદ પાર્ટટાઇમ બોલર જો રૂટે લૅથમની વિકેટ લીધી હતી. હવે બધો આધાર કેન વિલિયમસન (નૉટઆઉટ ૨૫) અને હેન્રી નિકોલસ (નૉટઆઉટ ૧૮)
પર છે. ઇંગ્લૅન્ડ વિજય મેળવીને ક્લીન સ્વીપ કરીને સિરીઝ જીતવાનો
પ્રયાસ કરશે.