મુંબઈએ પાંચ વિકેટ ગુમાવીને ફટકાર્યા ૨૦૫ રન, દિલ્હી ૧૯૩ રનમાં આૅલઆઉટ. IPLમાં જોરદાર કમબૅક કરનાર કરુણ નાયરે ૮૯ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સની જીતની આશા જીવંત રાખી, પણ ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક રનઆઉટ કરીને મુંબઈએ બાજી મારી.
કર્ણ શર્મા અને રોબો-ડૉગ
IPL 2025ની ૨૯મી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ ૧૨ રને દિલ્હી કૅપિટલ્સ સામે જીત મેળવી હારની હૅટ-ટ્રિકથી બચ્યું હતું. મુંબઈએ તિલક વર્માની બે ૬૦ પ્લસ રનની પાર્ટનરશિપના આધારે પાંચ વિકેટે ૨૦૫ રન ખડકી દીધા હતા. હોમ ટીમ દિલ્હી ૧૯ ઓવરમાં ૧૯૩ રને ઑલઆઉટ થઈ હતી. પહેલી ચારેય મૅચ જીતનાર દિલ્હીની ટીમને ૧૮મી સીઝનમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો છે.
ટૉસ હારીને પહેલા બૅટિંગ કરનાર મુંબઈના ઓપનર્સ રોહિત શર્મા (૧૨ બૉલમાં ૧૮ રન) અને રિયાન રિકલ્ટને (પચીસ બૉલમાં ૪૧ રન) સાથે મળી ૪૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સારી શરૂઆત અપાવી હતી. સળંગ બીજી ફિફ્ટી ફટકારનાર તિલક વર્મા (૩૩ બૉલમાં ૫૯ રન)એ ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ (૨૮ બૉલમાં ૪૦ રન) સાથે ૬૦ રન અને નમન ધીર (૧૭ બૉલમાં ૩૮ રન અણનમ) સાથે પાંચમી વિકેટ માટે ૬૨ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડ્યો હતો. દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવ (૨૩ રનમાં બે વિકેટ) અને વિપ્રાજ નિગમ (૪૧ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી.
દિલ્હીના જેક ફ્રેઝર-મૅકગર્કની ઇનિંગ્સના પહેલા જ બૉલે વિકેટ લઈને મુંબઈના ફાસ્ટ બોલર દીપક ચાહરે ખલબલી મચાવી દીધી હતી. જોકે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલા કરુણ નાયરે (૪૦ બૉલમાં ૮૯ રન) યંગ ઓપનર અભિષેક પોરેલ (પચીસ બૉલમાં ૩૩ રન) સાથે બીજી વિકેટ માટે ૧૧૯ રનની પાર્ટનરશિપ કરીને મૅચમાં દિલ્હીની શાનદાર વાપસી કરાવી આપી હતી. ઑલમોસ્ટ ત્રણ વર્ષ બાદ IPL મૅચ રમનાર કરુણ નાયરે ૨૨૨.૫૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૨ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઑલમોસ્ટ સાત વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ૫૦ પ્લસ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
સ્પિનર કર્ણ શર્મા (૩૬ રનમાં ત્રણ વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે દિલ્હીએ ૧૧થી ૧૬ ઓવર વચ્ચે ૪૧ રનની અંદર પાંચ વિકેટ ગુમાવવા છતાં યંગ બૅટર્સ વિપ્રાજ નિગમ (૮ બૉલમાં ૧૪ રન) અને આશુતોષ શર્મા (૧૪ બૉલમાં ૧૭ રન)એ મૅચને રસપ્રદ બનાવી હતી. દિલ્હીને જીત માટે અંતિમ ૧૨ બૉલમાં ૨૩ રનની જરૂર હતી, પણ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૪૪ રનમાં એક વિકેટ)ની ઓવરમાં થયેલા હૅટ-ટ્રિક રનઆઉટની મદદથી મુંબઈએ દિલ્હીને ઑલઆઉટ કરી દીધું હતું. સ્પિનર મિચલ સૅન્ટનરે (૪૩ રનમાં બે વિકેટ) પણ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ગુજરાત |
૬ |
૪ |
૨ |
+૧.૦૮૧ |
૮ |
દિલ્હી |
૫ |
૪ |
૧ |
+૦.૮૯૯ |
૮ |
બૅન્ગલોર |
૬ |
૪ |
૨ |
+૦.૬૭૨ |
૮ |
લખનઉ |
૬ |
૪ |
૨ |
+૦.૧૬૨ |
૮ |
કલકત્તા |
૬ |
૩ |
૩ |
+૦.૮૦૩ |
૬ |
પંજાબ |
૫ |
૩ |
૨ |
+૦.૦૬૫ |
૬ |
મુંબઈ |
૬ |
૨ |
૪ |
+૦.૧૦૪ |
૪ |
રાજસ્થાન |
૬ |
૨ |
૪ |
-૦.૮૩૮ |
૪ |
હૈદરાબાદ |
૬ |
૨ |
૪ |
-૧.૨૪૫ |
૪ |
ચેન્નઈ |
૬ |
૧ |
૫ |
-૧.૫૫૪ |
૨ |
ADVERTISEMENT
IPLની બ્રૉડકાસ્ટિંગ ટીમમાં થઈ રોબો-ડૉગની એન્ટ્રી, ટૉસ માટેનો સિક્કો લાવવામાં અને પૅવિલિયનમાં પ્લેયર્સનાં રીઍક્શનને નજીકથી કેદ કરવા થઈ રહ્યો છે ઉપયોગ. મુંબઈના ઇમ્પૅક્ટ પ્લેયર સ્પિનર કર્ણ શર્માએ શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ લીધી હતી, જેને કારણે જ મુંબઈ ઇન્ડિયન્સને જીત નસીબ થઈ હતી. ડેન્જરસ બૅટ્સમૅન ટ્રિસ્ટૅન સ્ટબ્સની વિકેટ લીધા બાદ તેણે ભગવાનને પ્રણામ કર્યા હતા.

