બંગલાદેશ સામે ટેસ્ટ-વિજય બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ રાતે સાથે બેસીને મૅચ જોઈ
કેએલ રાહુલ અને વિરાટ કોહલી ફુટબૉલ રમતા
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ગઈ કાલે ફાઇનલ રમાઈ હતી, પરંતુ એ પહેલાં ભારતીય ટીમના કૅપ્ટન લોકેશ રાહુલે કહ્યું હતું કે મારી ટીમમાંથી કોણ આર્જેન્ટિનાને કે ફ્રાન્સને સપોર્ટ કરશે એની મને ખબર નથી. રવિવારે ક્રિકેટ મૅચ પૂરી થયા બાદ આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘મારા ટીમના મોટા ભાગના ખેલાડીઓ જે ટીમને સપોર્ટ કરતા હતા એ ટીમ તો પહેલેથી જ આઉટ થઈ ગઈ હતી. થોડા બ્રાઝિલના ચાહક હતા, તો થોડા ઇંગ્લૅન્ડના. મને ખરેખર ખબર નથી કે આર્જેન્ટિના કે ટીમમાં ફ્રાન્સના સમર્થકો કોણ છે? જોકે અમે બધા સાથે મળીને ફાઇનલ જોઈશું, સારું ડિનર કરીશું એ નક્કી.’
ભારતીયે ટીમે બંગલાદેશ સામે પહેલી મૅચ સવારે ૫૦ મિનિટમાં જ જીતી લીધી હતી. તેણે કહ્યું કે ‘પાંચ દિવસ ખરેખર થકવી નાખે એવા છે એથી બધા વર્લ્ડ કપની ફાઇનલ જોઈશું. અમને બધાને ફુટબૉલ ગમે છે. સામાન્ય રીતે ટ્રેઇનિંગ સેશનમાં પણ અમે હંમેશાં ફુટબૉલ રમતા હોઈએ છીએ, વૉર્મઅપ પહેલાં, રૂમમાં પણ રમીએ છીએ.’