૨૦૨૩ની આઇપીએલ માટે દિલ્હી કૅપિટલ્સે સાકરિયાને ૪.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને ઓછી મૅચ રમવા મળી હતી અને તાજેતરમાં દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ તેને હરાજી માટે રિલીઝ કરી દીધો હતો.
ચેતન સાકરિયા , મેઘના જંબુચા
ભારત વતી ત્રણ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલા સૌરાષ્ટ્રના પચીસ વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ અઠવાડિયા પહેલાં સગાઈ કરી અને હવે ૬ દિવસ બાદ દુબઈમાં યોજાનારા આઇપીએલના પ્લેયર્સ-ઑક્શનમાં તેને ખરીદવા માટે ઘણા ફ્રૅન્ચાઇઝીઓ બોલી લગાવશે અને એમાં તેને મોટી રકમ મળવાની સંભાવના છે.
સાકરિયાએ ગર્લફ્રેન્ડ મેઘના જંબુચા સાથે સગાઈ કરી છે. એ પ્રસંગમાં માત્ર નજીકનાં સગાંસંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વ્યસ્ત સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને બીજા ક્રિકેટર્સે સાકરિયાને સોશ્યલ મીડિયામાં અભિનંદન આપ્યાં હતાં.
ADVERTISEMENT
૨૦૨૩ની આઇપીએલ માટે દિલ્હી કૅપિટલ્સે સાકરિયાને ૪.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને ઓછી મૅચ રમવા મળી હતી અને તાજેતરમાં દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ તેને હરાજી માટે રિલીઝ કરી દીધો હતો. રાજસ્થાન, બૅન્ગલોર અને ગુજરાતને સારા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરની જરૂર છે એટલે આગામી ઑક્શનમાં સાકરિયાને ખરીદવા મોસમોટી ઑફર થવાની શક્યતા છે. ૫૦ લાખ રૂપિયા સાકરિયાની બેઝ પ્રાઇસ છે. ભાવનગરનો સાકરિયા આઇપીએલમાં કુલ ૧૯ મૅચ રમ્યો છે અને એમાં ૮.૪૪ના ઇકૉનૉમી રેટ સાથે તેણે કુલ ૨૦ વિકેટ લીધી છે. સાકરિયાએ આઇપીએલ અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સહિતની છેલ્લી ૧૦ મૅચમાં ૨૪ વિકેટ લીધી છે.