બીજી વાર પપ્પા બનવાની સંભાવનાને કારણે શ્રીલંકા-ટૂર પર ન જનાર પૅટ કમિન્સને પગની ઘૂંટીમાં સોજો છે
પૅટ કમિન્સ
આવતા મહિને યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની ફિટનેસ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં તેણે ભારત સામે સૌથી વધુ ૧૬૭ ઓવર ફેંકી હતી જેમાંથી ૩૨ ઓવર મેઇડન રહી હતી. ૧૦૦૨ બૉલમાં ૫૩૪ રન આપીને તેણે પચીસ વિકેટ ઝડપી હતી. તે ઑસ્ટ્રેલિયામાં આયોજિત BGTમાં ૧૬૦થી વધુ ઓવર અને ૧૦૦૦ બૉલ ફેંકનાર એકમાત્ર બોલર છે.
બીજી વાર પપ્પા બનવાની સંભાવનાને કારણે શ્રીલંકા-ટૂર પર ન જનાર પૅટ કમિન્સને પગની ઘૂંટીમાં સોજો છે. ઑસ્ટ્રેલિયન ટીમના ચીફ સિલેક્ટર જ્યૉર્જ બેઇલીએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો છે. તેઓ કહે છે, ‘હું હમણાં કંઈ કહી શકતો નથી. તેની પગની ઘૂંટીમાં પણ સોજો છે એથી તેનું સ્કૅન કરાવવું પડશે. રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. ટુર્નામેન્ટ પહેલાં તે ફિટ થઈ જાય એવી અપેક્ષા છે.’