ઇંગ્લૅન્ડે આપેલો ૧૮૦ રનનો ટાર્ગેટ ૧૨૫ બૉલ પહેલાં ત્રણ વિકેટે ૧૮૧ રન બનાવીને ચેઝ કરી લીધો સાઉથ આફ્રિકાએ : હારની હૅટ-ટ્રિક સાથે ઇંગ્લૅન્ડે કહ્યું અલવિદા : આ સીઝનમાં ગ્રુપ-સ્ટેજમાં ત્રણેય મૅચ હારી જનારી એકમાત્ર ટીમ બની
ત્રણ વિકેટ સાથે ત્રણ શાનદાર કૅચ પકડનાર સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યાન્સેન બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.
કરાચીમાં રમાયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીની અગિયારમી મૅચમાં ઇંગ્લૅન્ડ સામે સાત વિકેટે જીત નોંધાવીને સાઉથ આફ્રિકાએ ગ્રુપ-Bમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલું ઇંગ્લૅન્ડ ખરાબ શરૂઆત સાથે ૩૮.૨ ઓવરમાં ૧૭૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. આ સીઝનમાં પહેલી વાર કોઈ ટીમ ૨૦૦ પ્લસ રનનો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે. હરીફ ટીમને આટલા ઓછા સ્કોરમાં ઑલઆઉટ કરીને સાઉથ આફ્રિકાએ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. એણે ૨૯.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાન્સેન (૩૯ બૉલમાં ત્રણ વિકેટ) અને વિઆન મુલ્ડર (પચીસ રનમાં ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે ઇંગ્લૅન્ડના બૅટર્સ પાણીમાં બેસી ગયા હતા. ૧૭.૩ ઓવરમાં ૧૦૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવનાર અંગ્રેજ ટીમ માટે માત્ર જો રૂટ (૪૪ બૉલમાં ૩૭ રન) મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો.
ADVERTISEMENT
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા સાઉથ આફ્રિકાની હરીફ ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (પંચાવન રનમાં બે વિકેટ)ને કારણે ખરાબ શરૂઆત થઈ હતી. રૅસી વૅન ડર ડુસેન (૮૭ બૉલમાં ૭૨ રન અણનમ) અને હેન્રિક ક્લાસેને (૫૬ બૉલમાં ૬૪ રન) ૧૨૨ બૉલમાં ત્રીજી વિકેટ માટે ૧૨૭ રનની પાર્ટનરશિપ કરીને ટીમની ઇનિંગ્સ સંભાળીને જીત સુનિશ્ચિત કરી હતી. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હવે એક પણ મૅચ જીત્યા વગર સૌથી વધુ ત્રણ મૅચ હારનારી ટીમોમાં ઝિમ્બાબ્વે (૨૦૦૬), વેસ્ટ ઇન્ડીઝ (૨૦૦૯) અને પાકિસ્તાન (૨૦૧૩) બાદ ઇંગ્લૅન્ડનું પણ નામ જોડાયું છે.
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની સેમી-ફાઇનલિસ્ટ ટીમો ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટૉપ-ફોરમાં
૨૦૨૩માં ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં પહેલી સેમી-ફાઇનલ ભારત-ન્યુ ઝીલૅન્ડ અને બીજી સેમી-ફાઇનલ ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. વન-ડે વર્લ્ડ કપની આ જ સેમી-ફાઇનલિસ્ટ ટીમ હવે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં પણ સેમી-ફાઇનલિસ્ટ બની છે.
હવે ચારેય ટીમ દુબઈમાં
સેમી-ફાઇનલ મૅચનું શેડ્યુલ આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડની મૅચના રિઝલ્ટ બાદ સામે આવશે. જો ભારત ગ્રુપ-Aમાં ટૉપ પર પહોંચશે તો તેની મૅચ ગ્રુપ-Bની બીજા નંબરની ટીમ ઑસ્ટ્રેલિયા સામે થશે અને જો બીજા ક્રમે જ રહેશે તો ગ્રુપ-Bની પહેલા નંબરની ટીમ સાઉથ આફ્રિકા સામે તેની ટક્કર થશે. અહેવાલ અનુસાર શેડ્યુલ નક્કી ન હોવાથી ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આજની મૅચ પહેલાં દુબઈ પહોંચી જશે. જેની મૅચ ભારત સામે નક્કી થશે એ દુબઈમાં રહેશે અને જેની મૅચ કિવી ટીમ સામે આયોજિત થશે એ ટીમ પાંચમી માર્ચની સેમી-ફાઇનલ માટે ફરી પાકિસ્તાનના લાહોર પહોંચશે. ચોથી માર્ચની દુબઈમાં આયોજિત પહેલી સેમી-ફાઇનલ પહેલાં યોગ્ય પ્રૅક્ટિસ અને આરામ મેળવવાના હેતુથી બન્ને ટીમ ગઈ કાલે જ દુબઈ જવા માટે ઊપડી ગઈ છે એવા અહેવાલ સામે આવ્યા હતા.
સેમી-ફાઇનલ મૅચ પહેલાં સાઉથ આફ્રિકાનો કૅપ્ટન બદલાઈ ગયો?
ગઈ કાલની મૅચ માટે સાઉથ આફ્રિકાનું નેતૃત્વ એઇડન માર્કરમે કર્યું હતું. તેણે જણાવ્યું કે રેગ્યુલર કૅપ્ટન ટેમ્બા બવુમા બીમાર હોવાને કારણે ટીમ-હોટેલમાં આરામ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકા ટીમમાં ટોની ડી જોર્ઝી અને કૅપ્ટન ટેમ્બા બવુમાની જગ્યાએ હેન્રિક ક્લાસેન અને ટ્રિસ્ટન સ્ટબ્સને સામેલ કરવામાં આવ્યા હતા.

