પાકિસ્તાનને એની જ ધરતી પર વાઇટ-બૉલ ક્રિકેટમાં ક્યારેય હરાવી નથી શક્યું બંગલાદેશ
મોહમ્મદ રિઝવાન, નજમુલ હુસૈન શાંતો
આજે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નવમી મૅચ રાવલપિંડીમાં યજમાન પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે રમાશે. સેમી-ફાઇનલની રેસમાંથી બહાર થયેલી આ બન્ને ટીમ આજે જીત સાથે પોતાના અભિયાનનો અંત લાવવાનો પ્રયાસ કરશે. ન્યુ ઝીલૅન્ડ અને ભારત સામે કારમી હારનો સામનો કર્યા પછી ઘરઆંગણે ચૅમ્પિયન બનવાના મોહમ્મદ રિઝવાન ઍન્ડ કંપનીનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે, જ્યારે ટુર્નામેન્ટ પહેલાં ચૅમ્પિયન બનવાની ગૅરન્ટી આપતા બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાંતોની ઇચ્છા પણ અધૂરી રહી ગઈ છે.
૧૯૯૮થી રમાતી આ ટુર્નામેન્ટમાં બન્ને ટીમ વચ્ચે પહેલી વાર મૅચ રમાશે. વાઇટ-બૉલ ક્રિકેટની ICC ઇવેન્ટમાં નવ મૅચમાંથી બંગલાદેશ માત્ર એક વન-ડે મૅચ ૧૯૯૯માં જીત્યું છે. વાઇટ-બૉલ ફૉર્મેટમાં બંગલાદેશ પાકિસ્તાનને એની ધરતી પર ક્યારેય હરાવી શક્યું નથી. ઘરઆંગણે પાકિસ્તાન આ હરીફ ટીમ સામે રમાયેલી તમામ ૧૨ વન-ડે અને પાંચ T20 મૅચ જીત્યું છે.

