ઇરાદો અલગ વાત છે, તેમની પાસે રોહિત, વિરાટ અને શુભમન જેવી કુશળતા નથી. પ્લેયર્સ કે મૅનેજમેન્ટ કંઈ જાણતા નથી. તેઓ કોઈ સ્પષ્ટ દિશા વિના રમવા ગયા છે.
શોએબ અખ્તર
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને મળેલી બૅક-ટુ-બૅક હાર બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના દેશની ટીમ પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા. તેણે એક વિડિયો શૅર કરીને કહ્યું, ‘ભારત સામે હાર્યા બાદ હું બિલકુલ નિરાશ નથી, કારણ કે મને ખબર હતી કે શું થવાનું છે. તમે પાંચ બોલરો પસંદ કરી શકતા નથી. આખી દુનિયા છ બોલરો સાથે રમી રહી છે, તમે બે ઑલરાઉન્ડરો સાથે જાઓ છો. ફક્ત એક બુદ્ધિહીન અને મૂર્ખ ટીમ-મૅનેજમેન્ટ જ આ કરી શકે છે. હું ખરેખર ખૂબ જ નિરાશ છું, એક એવી ટીમ પસંદ કરવામાં આવી છે જેમાં મોટી ટુર્નામેન્ટમાં રમવા માટે જરૂરી કુશળતા અને સમજનો અભાવ છે. આપણે પ્લેયર્સને દોષી ઠેરવી શકીએ નહીં, કારણ કે પ્લેયર્સ પણ ટીમ-મૅનેજમેન્ટ જેટલા જ અજ્ઞાની છે. તેમને ખબર નથી કે શું કરવું. ઇરાદો અલગ વાત છે, તેમની પાસે રોહિત, વિરાટ અને શુભમન જેવી કુશળતા નથી. પ્લેયર્સ કે મૅનેજમેન્ટ કંઈ જાણતા નથી. તેઓ કોઈ સ્પષ્ટ દિશા વિના રમવા ગયા છે. કોઈને ખબર નથી કે તેમણે શું કરવું જોઈએ.’
કોહલીનું ઉદાહરણ આપીને બાબર આઝમને કેમ ફ્રૉડ ગણાવ્યો?
ADVERTISEMENT
વિરાટ કોહલીને અભિનંદન આપતાં શોએબ અખ્તર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘જ્યારે તમે વિરાટને કહો છો કે તેણે પાકિસ્તાન સામે મૅચ રમવાની છે ત્યારે તે તૈયાર થઈને આવશે અને પછી સેન્ચુરી ફટકારશે. તેને સલામ. તે એક સુપરસ્ટાર અને વર્તમાન સમયનો મહાન પ્લેયર છે. મને આશા છે કે તે ૧૦૦ સેન્ચુરી ફટકારશે. આપણે હંમેશાં બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરીએ છીએ. હવે મને કહો કે વિરાટ કોહલીનો હીરો કોણ છે? સચિન તેન્ડુલકર... અને તેણે ૧૦૦ સેન્ચુરી ફટકારી છે અને વિરાટ તેના વારસાનો પીછો કરી રહ્યો છે. બાબર આઝમનો હીરો કોણ છે? ટુક ટુક (કોઈ પણ ક્રિકેટરનું નામ લીધા વિના). તમે ખોટો હીરો પસંદ કર્યો છે. તમારો વિચાર ખોટો છે. તમે શરૂઆતથી જ ફ્રૉડ કરો છો.’

