અનોખી સેન્ચુરી કરવા છતાં ૮૧ બૉલમાં ફિફ્ટી પૂરી કરનાર બાબર આઝમ ટ્રોલિંગનો શિકાર બન્યો
T20 ટીમ ઑફ ધ યર 2024ની કૅપ સાથે બાબર આઝમ.
વન-ડે ક્રિકેટના ICC રૅન્કિંગ્સમાં બીજા ક્રમના બૅટર બાબર આઝમે ન્યુ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં ૯૦ બૉલમાં ૭૧.૧૧ના સ્ટ્રાઇક-રેટથી ૬ ચોગ્ગાની મદદથી ૬૪ રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ સાથે તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦૦મી ફિફ્ટી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં ૨૯, વન-ડેમાં ૩૫ અને T20માં ૩૬ ફિફ્ટી ફટકારી છે. આ સિદ્ધિની સાથે તેણે ૮૧ બૉલમાં ધીમી ફિફ્ટી ફટકારતાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તે આ ઇનિંગ્સમાં બાવન ડૉટ બૉલ રમ્યો હતો. આ સાથે પાકિસ્તાની ટીમે પણ કેટલાક શરમજનક રેકૉર્ડ બનાવ્યા હતા.
ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાવરપ્લે (પહેલી ૧૦ ઓવર)ના લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો ટૉપ-થ્રી રેકૉર્ડ હવે પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાનની ટીમે ૨૦૧૩માં ઝિમ્બાબ્વેની સામે ૧૮/૨નો સ્કોર અને વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૩/૩નો સ્કોર કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે ઓપનિંગ મૅચમાં થયેલો ૨૨/૨નો સ્કોર ઘરઆંગણે તેમનો વન-ડે ક્રિકેટનો પાવરપ્લેનો લોએસ્ટ સ્કોર પણ બન્યો છે. ટૂંકમાં, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાવરપ્લેમાં ત્રણ વાર પચીસથી ઓછો સ્કોર કરનાર પાકિસ્તાન એકમાત્ર ટીમ બની છે.

