સ્ટેડિયમ તૈયાર કરવા માટે PCBને પચીસ જાન્યુઆરીની મળી છે ડેડલાઇન
ન્યુ ઝીલૅન્ડ પહોંચી ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ૧૯૯૬ના વન-ડે વર્લ્ડ કપ બાદ ઑલમોસ્ટ ૩૦ વર્ષ બાદ મોટી ICC ઇવેન્ટની યજમાનીની તક મળી છે, પણ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થતી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે હજી તેમનાં સ્ટેડિયમ તૈયાર નથી. અહેવાલ અનુસાર સ્ટેડિયમ તૈયાર કરવા તેમને ડિસેમ્બર ૨૦૨૪ની ડેડલાઇન મળી હતી, પણ હાઇબ્રિડ મૉડલ વિવાદને કારણે તેમને પચીસ જાન્યુઆરીની નવી ડેડલાઇન મળી છે. કરાચી, લાહોર અને મુલતાનનાં સ્ટેડિયમ હજી તૈયાર થયાં નથી, પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમય પહેલાં સ્ટેડિયમનું કામ પૂરું કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
ત્રિકોણીય સિરીઝ હવે કરાચી અને લાહોરમાં રમાશે
ADVERTISEMENT
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પાકિસ્તાનના મુલતાનમાં ત્રિકોણીય વન-ડે સિરીઝ રમાવાની હતી. ૮થી ૧૪ ફેબ્રુઆરી વચ્ચે આયોજિત આ સિરીઝ માટે ગઈ કાલે વેન્યુ બદલીને પાકિસ્તાન બોર્ડે સૌને ચોંકાવ્યા હતા. આ નિર્ણયથી તેમણે સ્ટેડિયમોમાં પુનર્નિર્માણ કાર્યમાં વિલંબની વાતોને ફગાવી દીધી હતી.
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં ત્રિકોણીય સિરીઝનું આયોજન કરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પ્લેયર્સ, અધિકારીઓ અને ફૅન્સને વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો અનુભવ પ્રદાન કરવાની તેમની ક્ષમતાને બતાવવા માગે છે.