લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચ રમાશે. ગ્રુપ-Bની ટીમ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા પણ આજે ૨.૩૦ વાગ્યે શરૂ થનારી આ મૅચ સાથે ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે
પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ઓસ્ટ્રેલિયાનો કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જોસ બટલર.
આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચ રમાશે. ગ્રુપ-Bની ટીમ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા પણ આજે ૨.૩૦ વાગ્યે શરૂ થનારી આ મૅચ સાથે ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમ ૨૦૦૬ અને ૨૦૦૯માં બૅક-ટુ-બૅક ચૅમ્પિયન બની હતી, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ ૨૦૦૪ અને ૨૦૧૩માં ફાઇનલ હારીને બે વાર રનર-અપ રહી હતી. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ બાદ ઇંગ્લૅન્ડની ટીમ ચારમાંથી એક પણ વન-ડે સિરીઝ જીતી શકી નથી, જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ ત્રણ વન-ડે સિરીઝમાંથી માત્ર એક ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ જીતી હતી. ઇંગ્લૅન્ડની ટીમ છેલ્લે ભારત સામે અને ઑસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરીને આવી છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બન્ને ટીમ વચ્ચે પાંચ મૅચ રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયા સૌથી ઓછી બે મૅચ જીત્યું છે. છેલ્લી બે મૅચ જીતનાર અંગ્રેજ ટીમ પાસે આજે કાંગારૂ ટીમ સામે આ ટુર્નામેન્ટમાં હૅટ-ટ્રિક જીત મેળવાની તક રહેશે. જોકે છેલ્લી ૧૦ વન-ડેમાંથી ૮ મૅચ ઑસ્ટ્રેલિયા જીત્યું છે, ઇંગ્લૅન્ડ બે મૅચ જીત્યું છે.
ADVERTISEMENT
વન-ડે હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૬૦ |
ઑસ્ટ્રેલિયાની જીત |
૯૦ |
ઇંગ્લૅન્ડની જીત |
૬૫ |
નો-રિઝલ્ટ |
૦૩ |
ટાઈ |
૦૨ |
૧૫ વર્ષથી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મૅચ જીતી શકી નથી કાંગારૂ ટીમ
વર્ષ ૨૦૦૯ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને ૬ વિકેટે હરાવ્યા બાદ ઑસ્ટ્રેલિયન ટીમ આ ટુર્નામેન્ટમાં ૧૫ વર્ષથી એક પણ મૅચ જીતી શકી નથી. ૨૦૦૯ની ફાઇનલ બાદ ઑસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં ૬ મૅચ રમ્યું છે, જેમાંથી ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી છે, જ્યારે ત્રણ મૅચમાં હરીફ ટીમની જીત થઈ હતી. કાંગારૂ ટીમ આજે આ ટુર્નામેન્ટમાં લાંબા સમય બાદ જીત મેળવવાના ઇરાદા સાથે ઊતરશે.

