૨૭૪ રનના ટાર્ગેટ સામે ૧૨.૫ ઓવરમાં ૧ વિકેટે ૧૦૯ રન ફટકારી ચૂકી હતી કાંગારૂ ટીમ, વરસાદ આવ્યો અને મૅચ આખરે રદ થઈ ગઈ
અઝમતુલ્લાહ ઓમરઝાઇએ ૬૭ રન ફટકાર્યા હતા.
ચાર પૉઇન્ટ સાથે ગ્રુપ-Bમાંથી આૅસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં પહેલી એન્ટ્રી મારી, અફઘાનિસ્તાનની જેમ ૩-૩ પૉઇન્ટ હોવા છતાં સારા રનરેટને કારણે સાઉથ આફ્રિકા નૉકઆઉટમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીની ૧૦મી મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. અફઘાનિસ્તાને મુશ્કેલ સમયમાંથી વાપસી કરીને ૫૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૭૩ રન ફટકારી દીધા હતા અને જવાબમાં જ્યારે ઑસ્ટ્રેલિયા ૧૨.૫ ઓવરમાં ૧ વિકેટે ૧૦૯ના સ્કોર પર હતી ત્યારે વરસાદે એવી બૅટિંગ શરૂ કરી દીધી કે મૅચ શરૂ ન થઈ શકી. મૅચ રદ થતાં બન્ને ટીમને ૧-૧ પૉઇન્ટ મળ્યો હતો. ૩ મૅચ બાદ સૌથી વધુ ૪ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા ૨૦૦૯ બાદ ફરી સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું.
ADVERTISEMENT
ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલા અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ (ઝીરો)ની પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સિદ્દીકઉલ્લાહ અટલે ત્રીજા ક્રમે આવીને ટીમની ઇનિંગ્સ સંભાળી લીધી હતી. ૨૩ વર્ષના આ મિડલ ઑર્ડર બૅટરે ૯૫ બોલમાં ૬ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૫ રન ફટકારીને બે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી જેમાં તેણે ઓપનર ઇબ્રાહિમ ઝદરાન (૨૮ બૉલમાં ૨૨ રન) સાથે બીજી વિકેટ માટે ૭૬ બૉલમાં ૬૭ રન અને કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી (૪૯ બૉલમાં ૨૦ રન) સાથે ચોથી વિકેટ માટે ૭૮ બૉલમાં ૬૮ રનની પાર્ટનરશિપ કરી હતી.
ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી ૧૦ ઓવરમાં એક વિકેટે હાઇએસ્ટ ૯૦ રન કરનાર ઑસ્ટ્રેલિયા વધુ બૅટિંગ ન કરી શક્યું, કારણ કે સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ૯ વાગ્યા સુધી યથાવત્ રહેતાં મૅચ રદ કરવી પડી હતી. ટ્રેવિસ હેડ ૪૦ બૉલમાં ૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૯ રન અને સ્ટીવ સ્મિથ બાવીસ બૉલમાં બે ચોગ્ગા ફટકારીને ૧૯ રન બનાવી અણનમ રહ્યા હતા. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં આઠમી વાર મૅચ આ રીતે રદ થઈ છે, જેમાંથી ૬ મૅચમાં ઑસ્ટ્રેલિયા રમી રહ્યું હતું.
૪૦ ઓવરમાં ૧૯૯ રનના સ્કોરે ૭ વિકેટ ગુમાવ્યા બાદ ૨૦૨૪ના વન-ડે ક્રિકેટર ઑફ ધ યર અઝમતુલ્લાહ ઓમરઝાઇએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે અંતિમ ઓવર સુધીમાં ૬૩ બૉલમાં એક ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૬૭ રન ફટકારીને ૫૦ ઓવરમાં સ્કોરને ૧૦ વિકેટે ૨૭૩ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર બેન દ્વારશુઇસ (૩ વિકેટ), ફાસ્ટ બોલર સ્પેન્સન જૉનસન (બે વિકેટ) અને ઍડમ ઝૅમ્પા (બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી.
૨૭૪ રનના ટાર્ગેટ સામે કાંગારૂઓએ ૪.૩ ઓવરમાં ૪૪ રનના સ્કોરે ઓપનર મૅથ્યુ શૉર્ટ (૧૫ બૉલમાં ૨૦ રન)ની વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ માટે ૫૦ બૉલમાં ૬૫ રનની પાર્ટનરશિપ કરીને જ્યારે ઓપનર ટ્રેવિસ હેડ અને કૅપ્ટન સ્ટીવ સ્મિથે ૧૨.૫ ઓવરમાં ટીમને ૧ વિકેટે ૧૦૯ રનના સ્કોર સુધી પહોંચાડી ત્યારે લાહોરમાં વરસાદને કારણે આ રોમાંચક મૅચને અટકાવવી પડી હતી.
આ અશક્ય રિઝલ્ટ સાથે સેમીમાં પહોંચી શકે છે અફઘાનિસ્તાન
સાઉથ આફ્રિકાની જેમ ૩-૩ પૉઇન્ટ હોવા છતાં ખરાબ નેટ રનરેટને કારણે અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાંથી ઑલમોસ્ટ બહાર થઈ ગયું છે. ઇંગ્લૅન્ડ સામે આજે જીત મેળવીને સાઉથ આફ્રિકા પણ સેમી ફાઇનલમાં એન્ટ્રી મારશે.
જો આજની મૅચમાં ઇંગ્લૅન્ડ પહેલાં બૅટિંગ કરીને સાઉથ આફ્રિકાને ઓછામાં ઓછા ૨૦૭ રનથી હરાવે અથવા સેકન્ડ બૅટિંગ કરીને ઇંગ્લૅન્ડ ૧૧.૧ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લે તો સાઉથ આફ્રિકાનો નેટ રનરેટ ખરાબ થશે. (બન્ને કિસ્સાઓમાં પ્રથમ ઇનિંગ્સનો કુલ સ્કોર ૩૦૦ રન ધારી રહ્યા છીએ) આવા કિસ્સામાં ૩-૩ પૉઇન્ટ હોવા છતાં અફઘાનિસ્તાન સારા નેટ રનરેટ સાથે સેમી ફાઇનલમાં પહોંચી શકશે.
ગ્રુપ-Bનું પૉઇન્ટ્સ-ટેબલ |
||||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ્સ |
ઑસ્ટ્રેલિયા |
૩ |
૧ |
૦ |
૨ |
+૦.૪૭૫ |
૪ |
સાઉથ આફ્રિકા |
૨ |
૧ |
૦ |
૧ |
+૨.૧૪૦ |
૩ |
અફઘાનિસ્તાન |
૩ |
૧ |
૧ |
૧ |
-૦.૯૯૦ |
૩ |
ઇંગ્લૅન્ડ |
૨ |
૦ |
૨ |
૦ |
-૦.૩૦૫ |
૦ |

