રોહિત શર્માએ ઉમેર્યું હતું કે ‘આ આપણા બધા માટે એક મોટી ઘડી હતી
રોહિત શર્મા એક વિશિષ્ટ પ્રકારે વૉક કરીને પોડિયમ સુધી પહોંચ્યો હતો
T20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે કૅપ્ટન રોહિત શર્મા એક વિશિષ્ટ પ્રકારે વૉક કરીને પોડિયમ સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં રોહિત શર્માએ ખુલાસો કરતાં કહ્યું હતું કે આ પ્રકારના વૉકનો આઇડિયા સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો હતો, તેઓએ આ ક્ષણને યાદગાર બનાવવા માટે આ પ્રકારે વૉક કરવાનું મને સૂચન કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ રોહિત શર્માના આ વિશિષ્ટ વૉકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘આ ઘટનામાં હું બે અત્યંત અલગ પ્રકારની ચીજો નોટિસ કરી રહ્યો હતો. એક તરફ ટીમ એકદમ લાગણીથી ભરેલી હતી અને એમાં તારા આ વિશિષ્ટ વૉકથી એ અલગ પડતી હતી.’
ADVERTISEMENT
મોદીએ આવું કહ્યું ત્યારે રોહિત શર્માએ ઉમેર્યું હતું કે ‘આ આપણા બધા માટે એક મોટી ઘડી હતી. આ ક્ષણની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. એટલે ટીમના મેમ્બર્સે મને કહ્યું કે એકદમ સાદી રીતે વૉક કરીને ટ્રોફી લેવા ન જતો. એવું કર કે કંઈક અલગ જ હોય.’
વડા પ્રધાન મોદીએ મજાકમાં પૂછ્યું કે શું આ ચહલનો આઇડિયા હતો ત્યારે રોહિત શર્માએ ચહલ અને કુલદીપનું નામ આપતાં રૂમમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. રસપ્રદ વાત એ છે કે ૨૦૨૨માં કતરમાં યોજાયેલી ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વિજય બાદ આર્જેન્ટિનાનો દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી પણ રોહિત શર્માએ કર્યો હતો એવા વૉક સાથે પોડિયમ પર ટ્રોફી લેવા પહોંચ્યો હતો.