આપણી ટીમ ખૂબ સારી છે, પણ આપણે ચૅમ્પિયન બનવા ફેવરિટ છીએ એમ ન કહી શકાય. દિલ કહે છે કે આપણે ચૅમ્પિયન બનીશું, પણ માઇન્ડ કહે છે કે ના, હજી આપણે ઘણી મહેનત કરવાની બાકી છે.
કપિલ દેવ
ભારતને પ્રથમ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર કૅપ્ટન કપિલ દેવને લાગે છે કે ભારતીય ટીમ આગામી વર્લ્ડ કપ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે તેઓ ટીમ પર હૉટ-ફેવરિટ ગણાવીને વધારાનું પ્રેશર આપવા નથી માગતા અને કહે છે કે આને માટે નસીબનો સાથ પણ જરૂરી છે.
ગૉલ્ફ ટુર્નામેન્ટ જમ્મુ ઍન્ડ કાશ્મીર ઓપનના લૉન્ચ વખતે બોલતાં કપિલ દેવે કહ્યું કે ‘મને લાગે છે કે આપણે સેમી ફાઇનલમાં જરૂર પહોંચીશું. એ ખૂબ મહત્ત્વનું છે અને ત્યાર બાદ ચૅમ્પિયન બનવા માટે નસીબ ઉપરાંત ઘણી બધી બાબતોની જરૂર પડશે. આપણી ટીમ ખૂબ સારી છે, પણ આપણે ચૅમ્પિયન બનવા ફેવરિટ છીએ એમ ન કહી શકાય. દિલ કહે છે કે આપણે ચૅમ્પિયન બનીશું, પણ માઇન્ડ કહે છે કે ના, હજી આપણે ઘણી મહેનત કરવાની બાકી છે. હું બધી ટીમ વિશે માહિતગાર નથી, પણ ભારતીય ટીમની વાત કરું તો તેઓ આ વર્લ્ડ કપ જીતવા તૈયાર છે. તેમણે પૅશનથી અને આનંદિત બની રમવું જોઈએ.’
ADVERTISEMENT
રવિવારે એશિયા કપમાં ભારતીય ફાસ્ટ બોલરોએ ઝડપેલી દસેદસ વિકેટને લીધે કપિલ દેવ ખૂબ ખુશ છે. તેઓ કહે છે કે ‘સિરાજના પર્ફોર્મન્સને લીધે ખૂબ ખુશ છું. મને એ વાતનો વિશેષ આનંદ છે કે આજે આપણા પેસ બોલર દસેદસ વિકેટ લઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે મોટા ભાગે સ્પિનરો પર જ આધારિત હતા, પણ હવે એવું નથી રહ્યું અને એથી જ આપણી ટીમ ખૂબ મજબૂત બની ગઈ છે.’