હાઇએસ્ટ ૪૧ રન કર્યા : પોતાના આદર્શ વિરાટ કોહલીએ કૅપ આપીને ટેસ્ટ-ક્રિકેટમાં પદાર્પણ કરાવ્યું એનાથી ગદ્ગદ થઈ ગયો
ગઈ કાલે નીતીશ કુમાર રેડ્ડીએ ટીમ માટે આકર્ષક ૪૧ રન ફટકાર્યા હતા.
ગઈ કાલે બૅટિંગમાં ભારતીય ટીમનો ધબડકો થયો ત્યારે રિષભ પંત સાથે મળીને થોડીક ફાઇટ આપનાર નીતીશ કુમાર રેડ્ડી માટે ટેસ્ટ-ક્રિકેટનો પહેલવહેલો દિવસ યાદગાર બની રહ્યો. ૨૧ વર્ષનો પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ ગઈ કાલે બૅટ સાથે પરચો બતાવીને સ્ટાર બની ગયો એ પહેલાં સવારે તેના જીવનની સ્વપ્નપૂર્તિ સમાન ક્ષણ તેણે અનુભવી હતી.
નીતીશને વિરાટ કોહલીએ કૅપ આપીને ટેસ્ટ-ક્રિકેટમાં પદાર્પણ કરાવ્યું હતું. વિરાટને નીતીશ પોતાનો ક્રિકેટિંગ આદર્શ માને છે એટલે આ પળ તેના માટે ધન્ય હતી. તેણે મૅચ પછી કહ્યું, ‘મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી વિરાટભાઈ મારા આદર્શ છે એટલે તેમના તરફથી કૅપ મળવી એ મારા માટે સુખદ ક્ષણ હતી.’
ADVERTISEMENT
નીતીશે ગઈ કાલે આઠમા નંબરે રમવા આવીને ૫૯ બૉલમાં ૪૧ રન કર્યા હતા જે ભારતીય બૅટરોમાં હાઇએસ્ટ હતા. ૭૩ રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ પડી એ પછી રમવા આવેલા નીતીશે સાતમી વિકેટ માટે રિષભ પંત સાથે ૪૮ રનની અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. નીતીશ ગઈ કાલે છેલ્લે આઉટ થયો હતો.