ટ્રૅવિસ હેડને હેડેક ઉપનામ આપીને રવિ શાસ્ત્રી કહે છે...
રવિ શાસ્ત્રી, ટ્રૅવિસ હેડ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ વિશે મોટું નિવેદન આપ્યું છે. આ કૉમેન્ટેટરે હાલમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે તે ખૂબ જ સ્માર્ટ છે. મેં તેને ત્રણ વર્ષ પહેલાં જોયો હતો, પરંતુ હવે તે ઘણો સુધરી ગયો હોય એવું લાગે છે. ખાસ કરીને તે જે રીતે ‘શૉર્ટ બૉલ’ રમે છે. તે ઘણી વખત એને સારી રીતે છોડતા પણ શીખ્યો છે. બૉલની ‘લાઇન અને લેન્થ’ને ઝડપથી નક્કી કરવાની ક્ષમતા હેડને યોગ્ય સ્ટ્રોક રમવા માટે સમય આપે છે. તેનું નવું ઉપનામ ટ્રૅવિસ ‘હેડેક’ (માથાનો દુખાવો) છે. તે જે રીતે જસપ્રીત બુમરાહ સામે રમે છે એ જોઈને મને લાગે છે કે તે કરીઅરના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે.’
વર્તમાન બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ટ્રૅવિસ હેડ ૪૦૦ પ્લસ રન ફટકારનાર એકમાત્ર બૅટર છે. તેના પછી હાઇએસ્ટ રન સ્કોરરમાં ભારતીય ઓપનર કે. એલ. રાહુલ ૨૩૫ રન સાથે બીજા ક્રમે છે. ટ્રૅવિસ હેડે ત્રણ મૅચમાં બે સેન્ચુરી અને એક ફિફ્ટીની મદદથી ૪૦૯ રન ફટકાર્યા છે.
ADVERTISEMENT
રોહિત શર્માને આક્રમક બૅટિંગની સલાહ આપી રવિ શાસ્ત્રીએ
કૅપ્ટન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં અનુક્રમે ૧૦, ૩ અને ૬ રન બનાવી શક્યો છે. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરતા કૅપ્ટન રોહિત શર્માને સલાહ આપતાં રવિ શાસ્ત્રી કહે છે કે ‘હું રોહિત શર્માને સારું પ્રદર્શન કરતાં જોવા માગું છું. તેની રણનીતિમાં થોડો ફેરફાર થવો જોઈએ, કારણ કે તે હજી પણ છઠ્ઠા ક્રમે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. મને લાગે છે કે તેણે પોતાની માનસિકતામાં એકદમ સ્પષ્ટ હોવું જોઈએ કે તેણે મેદાન પર જઈને વિપક્ષી ટીમ પર અટૅક કરવો જોઈએ અને બીજી કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ. મનમાં ડિફેન્સિવ અને અટૅક્ગિં બૅટિંગ કરવાના બે વિચાર રાખવા જોઈએ નહીં. આ માત્ર ફૉર્મમાં પાછા આવવા માટે જ નહીં, પરંતુ ભારત માટે મૅચ જીતવાનો પણ શ્રેષ્ઠ માર્ગ હશે. ‘
ઑસ્ટ્રેલિયાની બૅટિંગ-યુનિટનો છેલ્લી ત્રણ ટેસ્ટનો રેકૉર્ડ
ઓપનર્સ - ૧૩૫ રન
મિડલ ઑર્ડર (નંબર ૩થી ૬ ) - ૬૩૯ રન
લોઅર ઑર્ડર (નંબર ૭થી ૧૧) - ૩૬૪ રન
ભારતની બૅટિંગ-યુનિટનો છેલ્લી ત્રણ ટેસ્ટનો રેકૉર્ડ
ઓપનર્સ - ૪૨૮ રન
મિડલ ઑર્ડર (નંબર ૩થી ૬ ) - ૩૩૮ રન
લોઅર ઑર્ડર (નંબર ૭ થી ૧૧) - ૩૮૮ રન