તેમણે પોતાની એક કોલમમાં લખ્યું કે, વર્તમાન સિરીઝમાં જસપ્રીત બુમરાહ સામે હેડનું પ્રદર્શન તેના નીડર અભિગમનું ઉદાહરણ છે
ગ્રેગ ચૅપલ
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્રેગ ચૅપલે ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડને વર્તમાનમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન ગણાવ્યો છે. તેમણે પોતાની એક કોલમમાં લખ્યું કે ‘વર્તમાન સિરીઝમાં જસપ્રીત બુમરાહ સામે હેડનું પ્રદર્શન તેના નીડર અભિગમનું ઉદાહરણ છે. જ્યારે અન્ય બૅટ્સમેનો બુમરાહની સચોટ બોલિંગ સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે હેડ તેની સામે તે સામાન્ય બોલર હોય એમ બૅટિંગ કરી રહ્યો હતો. હેડે બુમરાહનો મજબૂત ઇરાદા સાથે સામનો કર્યો અને તેની સામે રન બનાવવાનો પ્રયાસ કરીને માત્ર તેનો ખતરો ઓછો કર્યો એટલું જ નહીં, તેનો લય પણ બગાડ્યો. તેના વર્તમાન ફૉર્મમાં ટ્રૅવિસ ઑસ્ટ્રેલિયાની બૅટિંગની રીતનું ઉદાહરણ આપે છે. અત્યારે જે રીતે તેના પ્રદર્શનની ચર્ચા થઈ રહી છે એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ટ્રૅવિસ હેડ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન છે.’
છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટ્રૅવિસ હેડ બુમરાહની સામે બે વાર આઉટ થયો છે. તેણે બુમરાહ સામે ૯૧ બૉલમાં ૮૩ રન ફટકાર્યા છે. તે આ બોલર સામે બાવન ડોટ બૉલ રમ્યો છે અને ૧૨ ચોગ્ગા ફટકાર્યા છે.