કંગાળ પ્રદર્શન કરનાર પ્લેયર્સને હેડ કોચ ગૌતમ ગંભીરે બરાબર ખખડાવ્યા
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ડ્રેસિંગરૂમમાં ગંભીર માહોલ છે. અહેવાલ અનુસાર ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે ટેસ્ટ-સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની શાનદાર લીડ બાદ કંગાળ પ્રદર્શન કરનાર પ્લેયર્સને બરાબર ખખડાવ્યા છે. ગૌતમ ગંભીરનાં કેટલાંક નિવેદન મીડિયા વચ્ચે લીક થયાં છે. ત્રણેય ફૉર્મેટમાં મળી રહેલી અસફળતાને કારણે ગૌતમ ગંભીરના પદ પર પણ સંકટ ઊભું થયું છે, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ સફળતા નહીં મળશે તો તેની હકાલપટ્ટી નિશ્ચિત છે.
અહેવાલ અનુસાર ગૌતમ ગંભીરે હાર બાદ ડ્રેસિંગરૂમમાં ટીમ સામે અલ્ટિમેટમ આપતાં કહ્યું કે ‘બસ, બહુ થઈ ગયું. કેટલાક પ્લેયર્સ પરિસ્થિતિ મુજબ પ્રદર્શન નથી કરી રહ્યા અને પોતાની નૅચરલ ગેમના નામે તેઓ ટીમના પ્લાનને અનુસરી નથી રહ્યા. છેલ્લા છ મહિનાથી તમને ફ્રી હૅન્ડ આપ્યા, પણ હવે હું તમારી રમવાની સ્ટાઇલ નક્કી કરીશ અને જે એને નહીં અનુસરે તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે. તમે લોકો જાગી રહ્યા છો કે નહીં? હું કંઈ બોલતો નથી એટલે એમ નથી કે તમે મારી વાતોને હળવાશમાં લો.’
ADVERTISEMENT
ચેતેશ્વર પુજારાને રમાડવાની ઇચ્છા હતી ગૌતમ ગંભીરની
ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ બૅટર ચેતેશ્વર પુજારાએ છેલ્લી કેટલીક બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ આ સિરીઝમાં તેને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું ન હોવાથી કૉમેન્ટરી કરવી પડી રહી છે. અહેવાલ અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીર તેને આ સિરીઝ માટે સ્ક્વૉડમાં સામેલ કરવા માગતો હતો, પણ ચીફ સિલેક્ટર અજિત આગરકરની ટીમે વાત ન માની. પર્થ ટેસ્ટમાં જીત બાદ પણ ગંભીરે તેની એન્ટ્રી માટેના પ્રયાસ કર્યા, પણ સિલેક્ટર્સને મનાવવામાં સફળ ન રહ્યો.