બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ માટે ઑસ્ટ્રેલિયામાં વર્ષની પહેલી ટેસ્ટ હોય છે પિન્ક ટેસ્ટ
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પિન્ક કૅપ પહેરી ઑસ્ટ્રેલિયન પ્લેયર્સે ગ્લેન મૅક્ગ્રા સાથે કરાવ્યું ફોટોશૂટ
ત્રીજી જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આયોજિત સિરીઝની અંતિમ ટેસ્ટ ખાસ બની રહેશે. ઑસ્ટ્રેલિયા આ ટેસ્ટ જીતીને પાંચ મૅચની સિરીઝની ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે ભારતીય ટીમ પણ ટેસ્ટ જીતીને સિરીઝ ડ્રૉ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. આ ટેસ્ટમાં પ્લેયર્સની કૅપથી લઈને સ્ટેડિયમનાં સ્ટૅન્ડ્સ પિન્ક રંગમાં જોવા મળશે.
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાની પત્ની જેન મેક્ગ્રાનું ૨૦૦૮માં બ્રેસ્ટ-કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. એથી આ ફાસ્ટ બોલરે પોતાની પત્નીની યાદમાં મૅક્ગ્રા ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની મદદથી વર્ષની પહેલી ટેસ્ટ-મૅચને બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ માટે સમર્પિત કરવાનું કામ કર્યું હતું. ૨૦૦૯માં પહેલી વાર સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પિન્ક ટેસ્ટ રમાઈ હતી.
ADVERTISEMENT
ગઈ કાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગ્લેન મૅક્ગ્રાએ પિન્ક કૅપ પહેરીને આવેલા ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે ફોટોશૂટ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી.
બ્રેસ્ટ-કૅન્સર માટે અવેરનેસ અને દરદીઓ માટે ફન્ડ ભેગું કરવાના હેતુથી રમાનારી આ ટેસ્ટ-મૅચ દરમ્યાન પ્લેયર્સની કૅપ, જર્સી, બૅટ, સ્ટમ્પ્સ અને ગ્લવ્ઝ જેવાં સાધનો સહિત સ્ટેડિયમનાં સ્ટૅન્ડ્સમાં પણ પિન્ક રંગ જોવા મળશે. આ દરમ્યાન ફૅન્સ પણ પિન્ક કપડાં પહેરીને બ્રેસ્ટ-કૅન્સર સામેની લડાઈમાં સમર્થન આપતા જોવા મળશે.