કારમી હાર બાદ સિનિયર પ્લેયર્સને ટૉન્ટ મારીને સુનીલ ગાવસકર કહે છે...
સુનીલ ગાવસકર
બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમને ૧૦ વર્ષ બાદ મળેલી હારને કારણે ભૂતપૂર્વ ભારતીય બૅટર સુનીલ ગાવસકર બરાબર અકળાયા હતા. તેમણે સ્ટાર સ્પોર્ટ્સ પર કોચિંગ સ્ટાફના યોગદાન વિશે પણ મોટા સવાલ ઉઠાવ્યા હતા.
ગાવસકરે ભારતીય ટીમના પ્લેયર્સને સંબોધતાં કહ્યું હતું કે ‘૨૩ જાન્યુઆરીએ રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં કોણ રમશે હું એ જોવા માગું છું, કારણ કે એ સમયે ઇંગ્લૅન્ડ સામે લિમિટેડ ઓવર્સની સિરીઝ પણ રમાશે. જેઓે એ સિરીઝમાં નથી રમવાના તેઓ રણજી ટ્રોફી મૅચ રમશે કે નહીં? જોઈએ આ ટીમના કેટલા ખેલાડીઓ રમે છે. ન રમવા માટે કોઈ બહાનું ન હોવું જોઈએ. હેડ કોચ ગૌતમ ગંભીરે આ વિશે કડક નિર્ણય લેવા જોઈએ.’
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટના હિત માટે સલાહ-સૂચન આપતાં તેમણે આગળ કહ્યું કે ‘છેલ્લી બે ટેસ્ટ-સિરીઝમાં મેં જોયું કે આપણી બૅટિંગમાં ટેક્નિકલ ખામીઓ હતી. તમે એ જ ભૂલો કરી રહ્યા છો. આગામી ૨૦૨૫-૨૦૨૭ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સીઝનને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ક્રિકેટ મહત્ત્વપૂર્ણ બની જાય છે અને ભારતે હવે યશસ્વી જાયસવાલ અને નીતીશ કુમાર રેડ્ડી જેવા યુવા ક્રિકેટરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેઓ ભારત અને પોતાનું નામ બનાવવા માટે ભૂખ્યા છે. ટીમને એવા પ્લેયર્સની જરૂર છે જે મૅચમાં તેમની વિકેટને તેમના જીવનની જેમ સુરક્ષિત રાખી શકે.’
અનેક સલાહ-સૂચન છતાં ટેસ્ટ-સિરીઝમાં કારમી હાર થતાં અકળાયેલા સુનીલ ગાવસકર કહે છે... હમકો ક્યા માલૂમ હૈ ક્રિકેટ? હમકો તો ક્રિકેટ આતી હી નહીં હૈ, હમ તો પૈસે ઔર ટીવી કે લિએ બાતેં કરતે રહતે હૈં, હમકો કૌન સુનેગા?
ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ BGT સિરીઝ જીતવાની હૅટ-ટ્રિક કરવાથી ચૂકી ગઈ. સિરીઝમાં ભારતની હારનું સૌથી વધારે દુ:ખ સુનીલ ગાવસકરને થયું હોય એવું તેમનાં નિવેદનથી સ્પષ્ટ જાણવા મળે છે. સિરીઝ પહેલાં અને દરમ્યાન તેમણે ભારતીય પ્લેયર્સને અનેક સલાહ-સૂચન આપ્યાં હતાં.
સિડનીમાં હાર બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતે આ ટૂર પહેલાં મૅચ રમીને સારી તૈયારી કરવી જોઈતી હતી? ભારતીય પ્લેયર્સની એકસરખી ભૂલોથી અકળાયેલા ગાવસકરે કહ્યું કે ‘અમને શું ખબર ક્રિકેટ વિશે? અમને ક્યાં ક્રિકેટ આવડે છે, અમે તો પૈસા અને ટીવી માટે બોલ્યા કરીએ છીએ. અમને કોઈ ક્યાં સાંભળે છે? અમારી વાત સાંભળવાનો કોઈ અર્થ નથી. એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખો.’