ઑસ્ટ્રેલિયન ઓપનર નૅથન મૅકસ્વીનીએ વાપસીની આશા છોડી નથી
નૅથન મૅકસ્વીની
બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં સાધારણ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર થયેલા ઑસ્ટ્રેલિયન ઓપનર નૅથન મૅકસ્વીનીએ વાપસીની આશા છોડી નથી. તેણે ૩૮ વર્ષના ઓપનર ઉસ્માન ખ્વાજાની જગ્યા લેવાની તૈયારી બતાવી છે. પચીસ વર્ષનો આ ક્રિકેટર કહે છે કે ‘એમાં કોઈ શંકા નથી કે મને ટેસ્ટ-ટીમમાં પરત ફરવું ગમશે. ઉસ્માન ખ્વાજાએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ જો તે નિવૃત્ત થશે તો તેની જગ્યા લેવાનું મને ગમશે. હું કોઈ પણ પોઝિશન પર બૅટિંગ કરવા તૈયાર છું. આશા છે કે એક દિવસ હું ફરીથી ટેસ્ટ-ક્રિકેટ રમીશ. મારે મારી રમત પર કામ કરવું પડશે અને
ટીમ-સિલેક્ટર્સ સાથે વાત કરવી પડશે કે મને કયા નંબર પર બૅટિંગ માટે તક મળી શકે અને વાપસી કરવા માટે મારે શું કરવાની જરૂર છે.’
સ્થાનિક ક્રિકેટમાં મોટા ભાગે ત્રીજા કે ચોથા નંબર પર બૅટિંગ કરનાર મૅકસ્વીનીને ટેસ્ટ-ક્રિકેટમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તે ત્રણ મૅચમાં માત્ર ૧૪.૪૦ની ઍવરેજથી ૭૨ રન જ બનાવી શક્યો હતો. આ પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના સ્થાને ટીમમાં આવેલા ૧૯ વર્ષના સૅમ કૉન્સ્ટૅસે ટીમ માટે ફિફ્ટી ફટકારીને ઇન્ટરનૅશનલ કરીઅરની શાનદાર શરૂઆત કરી હતી.