ભારતના ૧૮૫ રન સામે કાંગારૂઓ ૧૮૧ રનમાં સમેટાયા : બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાના ૬ વિકેટે ૧૪૧ રન, ૧૪૫ રનની લીડ થઈ
ઑસ્ટ્રેલિયા સામે ૩-૩ વિકેટ લઈને મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ તરખાટ મચાવ્યો
સિડની ટેસ્ટ-મૅચના બીજા દિવસે બન્ને ટીમના ધબડકાથી દર્શકોને ભરપૂર રોમાંચ મળ્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમની પહેલી ઇનિંગ્સ ગઈ કાલે ૫૧ ઓવરમાં ૧૮૧ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૮૫ રન બનાવનાર ભારતીય ટીમે બીજા દિવસના અંતે ૩૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૪૧ રન બનાવ્યા છે. ભારતીય ટીમ પાસે ગઈ કાલે દિવસના અંતે ૧૪૫ રનની લીડ હતી અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૮ રન) અને વૉશિંગ્ટન સુંદર (૬ રન) ક્રીઝ પર અણનમ હતા.
બીજા દિવસે ૯/૧ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરનાર ઑસ્ટ્રેલિયન ટીમે સમયાંતરે વિકેટ ગુમાવી હતી. બે વિકેટ લેનાર જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (ત્રણ વિકેટ), પ્રસિદ્ધ ક્રિષ્ના (ત્રણ વિકેટ) અને નીતીશ કુમાર રેડ્ડી (બે વિકેટ)એ શાનદાર બોલિંગ-પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા સામે ૩-૩ વિકેટ લઈને મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ તરખાટ મચાવ્યો
નવોદિત ઑલરાઉન્ડર બો વેબસ્ટર (૧૦૫ બૉલમાં ૫૭ રન) સિવાય કોઈ ઑસ્ટ્રેલિયન બૅટર મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. ૫૭ બૉલમાં ૩૩ રન બનાવનાર સ્ટીવ સ્મિથ ૧૦,૦૦૦ ટેસ્ટ-રન
બનાવતાં માત્ર પાંચ રનથી ચૂકી ગયો હતો. ૩૮ બૉલમાં ૨૩ રન કરનાર ઓપનર સૅમ કૉન્સ્ટૅસ અને ભારતીય પ્લેયર્સ વચ્ચે બીજા દિવસે પણ બૅટ-બૉલ અને શબ્દોથી હળવી બોલાચાલી જોવા મળી હતી.
પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લેનાર સ્કૉટ બોલૅન્ડે ભારતની બીજા દિવસે પણ બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. કૅપ્ટન પૅટ કમિન્સ અને બો વેબસ્ટરને એક-એક સફળતા મળી છે. યશસ્વી જાયસવાલ (બાવીસ રન) અને કે. એલ. રાહુલ (૧૩ રન)ની ૪૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપ બાદ શુભમન ગિલ (૧૩ રન) અને વિરાટ કોહલી (૬ રન) મિડલ ઑર્ડરમાં ફેલ રહ્યા હતા. વિકેટકીપર રિષભ પંતે (૬૧ રન) પોતાની તોફાની ઇનિંગ્સની મદદથી રવીન્દ્ર જાડેજા સાથે ૪૨ બૉલમાં પાંચમી વિકેટ માટે ૪૬ રનની પાર્ટરનશિપ કરી હતી. મેલબર્નનો સેન્ચુરિયન ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ચાર રન જ બનાવી શક્યો હતો. બીજા દિવસે ઑસ્ટ્રેલિયાની નવ અને ભારતની છ સહિત કુલ ૧૫ વિકેટ પડી હતી.