Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦ વર્ષ બાદ બૉર્ડર-ગાવસકર ટ્રોફી જીતી લીધી કાંગારૂ ટીમે

૧૦ વર્ષ બાદ બૉર્ડર-ગાવસકર ટ્રોફી જીતી લીધી કાંગારૂ ટીમે

Published : 06 January, 2025 09:41 AM | Modified : 06 January, 2025 10:41 AM | IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજા દિવસે ભારતીય ટીમે આપેલા ૧૬૨ રનના ટાર્ગેટને આ‍ૅસ્ટ્રેલિયાએ માત્ર ૨૭ ઓવરમાં ચાર વિકેટે ચેઝ કર્યો, ૬ વિકેટે સિડની ટેસ્ટ જીતીને ૩-૧થી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ જીતી

સિડનીમાં ૬ વિકેટે પાંચમી ટેસ્ટ-મૅચ જીતીને બૉર્ડર-ગાવસકર ટ્રોફી પોતાના નામે કરી કાંગારૂ ટીમે.

સિડનીમાં ૬ વિકેટે પાંચમી ટેસ્ટ-મૅચ જીતીને બૉર્ડર-ગાવસકર ટ્રોફી પોતાના નામે કરી કાંગારૂ ટીમે.


સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પાંચમી ટેસ્ટ-મૅચ ૬ વિકેટે જીતીને ઑસ્ટ્રેલિયાએ બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) પર ૩-૧થી કબજો કર્યો છે. ૨૦૧૪-’૧૫માં છેલ્લી વાર આ સિરીઝ જીતનાર કાંગારૂ ટીમને એક દાયકા બાદ BGTની ટ્રોફી ઉપાડવાનું સન્માન મળ્યું છે. BGTની ૧૭ સિરીઝમાંથી છઠ્ઠી વાર ઑસ્ટ્રેલિયાએ આ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે ૧૦ વાર આ કમાલ કરી છે, જ્યારે ૨૦૦૩-’૦૪માં એકમાત્ર સિરીઝ ડ્રૉ રહી હતી.


સિડની ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં ૩૯.૫ ઓવરમાં ૧૫૭ રન બનાવી ઑલઆઉટ થઈ હતી, જેને પગલે કાંગારૂ ટીમને ૧૬૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૮૧ રનમાં સમેટાઈ ગયેલી ઑસ્ટ્રેલિયન ટીમે ૨૭ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૬૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી ૬ વિકેટે જીત મેળવી હતી. ઑસ્ટ્રેલિયન ટીમ ૨૦૧૧-’૧૨ બાદ પહેલી વાર આ સિરીઝમાં ૩ ટેસ્ટ-મૅચ જીતવામાં સફળ રહી છે.




ત્રીજા દિવસની રમત પહેલાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન બોલર ગ્લેન મૅકગ્રાએ કૅન્સર અવેરનેસના ભાગરૂપે બન્ને ટીમને આપી હતી પિન્ક કૅપ.

સિડની ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆત ૧૪૧/૬ના સ્કોરથી કરનાર ભારતીય ટીમે પહેલા જ સેશનમાં ઑલમોસ્ટ ૭ ઓવર રમી ૧૬ રન ઉમેરીને બાકીની ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડ (૪૫ રનમાં છ વિકેટ) અને કૅપ્ટન પૅટ કમિન્સ (૪૪ રનમાં ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગે મહેમાન ટીમને મોટો ટાર્ગેટ સેટ કરવા દીધો નહોતો.


ભારત અને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ-મૅચ બાદ મેદાન પર ઊમટ્યા દર્શક, ત્રણ દિવસમાં ૧,૪૧,૫૧૮ ફૅન્સ મૅચ જોવા આવ્યા.

ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલ પ્રસિદ્ધ ક્રિષ્ના (૬૫ રનમાં ત્રણ વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૬૯ રનમાં એક વિકેટ) યજમાન ટીમના બૅટર્સ પર પ્રેશર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા (૪૧ રન), ટ્રૅવિસ હેડ (અણનમ ૩૪ રન) અને બો વેબસ્ટર (૩૯ અણનમ)ની ઇનિંગ્સની મદદથી ટાર્ગેટ સરળતાથી ચેઝ થઈ ગયો હતો. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં વર્ષો સુધી યાદ રહે એવો રમતનો રોમાંચ જોવા મળ્યો હતો.

માત્ર ૭૬૬૪ બૉલ રમાયા
૧૦૦ વર્ષની પાંચ ટેસ્ટની શૉર્ટેસ્ટ સિરીઝ બની BGT ૨૦૨૪-’૨૫ની બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં કુલ ૭૬૬૪ બૉલ રમાયા હતા જે ૨૧મી સદીમાં સૌથી ટૂંકી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ બની છે. ઓવરઑલ સૌથી ટૂંકી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ વર્ષ ૧૯૦૨ની ઍશિઝ સિરીઝ હતી જેમાં માત્ર ૬૫૪૫ બૉલ રમાયા હતા. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની વર્ષ ૧૯૨૪ની ઇંગ્લૅન્ડની ટૂર બીજા નંબર પર છે જ્યાં પાંચ ટેસ્ટ-મૅચમાં માત્ર ૭૬૫૯ બૉલ ફેંકવામાં આવ્યા હતા. આ સિરીઝનાં ૧૦૦ વર્ષ પછીની ૨૦૨૪-’૨૫ની બૉર્ડર-ગાવસકર ટ્રોફીની સિરીઝ ઓવરઑલ ત્રીજી શૉર્ટેસ્ટ પાંચ મૅચની સિરીઝ બની છે.

પહેલી વાર WTCની ફાઇનલમાં નહીં રમે ભારતીય ટીમ 
સિડની ટેસ્ટ-મૅચ હારતાં જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સતત બીજી વાર WTCની ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લૅન્ડના લૉર્ડ્સમાં ૧૧થી ૧૫ જૂન દરમ્યાન કાંગારૂ ટીમ સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં ટકરાશે. સાઉથ આફ્રિકા પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ-મૅચ જીતીને પહેલી વાર WTCની ફાઇનલમાં પહોંચ્યું છે. 

પહેલી બન્ને સીઝનમાં રનર-અપ રહેલી ભારતીય ટીમ આ સીઝનમાં ૫૦.૦૦ પૉઇન્ટ ટકાવારી સાથે ત્રીજા સ્થાને રહી છે. સાઉથ આફ્રિકા (૬૬.૬૭) અને ઑસ્ટ્રેલિયા (૬૩.૭૩)ની ટીમ ૬૦ પ્લસની પૉઇન્ટ ટકાવારી સાથે ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2025 10:41 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK