આજથી ભારત અને આૅસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બૉક્સિંગ ડે ટેસ્ટ શરૂ : ભારતીય ટીમ ૨૦૧૮ અને ૨૦૨૦માં આ મેદાન પર જીતી હતી છેલ્લી બે ટેસ્ટ : ૧૮૮૩થી ૧૮૮૫ વચ્ચે ઇંગ્લૅન્ડે પહેલી વાર કરી હતી અહીં હૅટ-ટ્રિક
રોહિત શર્મા
આજથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ શરૂ થઈ છે. ૧-૧થી બરાબર રહેલી સિરીઝ માટે ચોથી ટેસ્ટનું રિઝલ્ટ મહત્ત્વપૂર્ણ બનશે. ક્રિસમસ પછીના દિવસે રમાતી ટેસ્ટને ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકામાં બૉક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. દેશ પ્રમાણે આ દિવસની ઉજવણીની અલગ-અલગ વાર્તા છે. સામાન્ય રીતે ક્રિસમસ પછીના દિવસે લોકો દ્વારા પોતાના કર્મચારીઓને આપવામાં આવતાં ગિફ્ટ-બૉક્સને કારણે બૉક્સિંગ ડે શબ્દ પ્રચલિત થયો છે.
ભારતીય ટીમ ૧૯૮૫થી હમણાં સુધી જગતભરમાં કુલ ૧૬ બૉક્સિંગ ડે ટેસ્ટ રમી છે જેમાંથી માત્ર ચાર ટેસ્ટમાં જીત મળી છે, બે ટેસ્ટ ડ્રૉ રહી હતી અને ૧૦ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ચાર ટેસ્ટ-જીત ૨૦૧૦ બાદની ૮ ટેસ્ટ-મૅચ દરમ્યાન મળી છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે દસમી બૉક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઈ છે. આ પહેલાંની ૯ બૉક્સિંગ ડે ટેસ્ટમાં પાંચમાં ઑસ્ટ્રેલિયા, બેમાં ભારતે બાજી મારી હતી, જ્યારે બે ટેસ્ટ ડ્રૉ રહી છે. રોહિત શર્મા પહેલી વાર બૉક્સિંગ ડે ટેસ્ટમાં કૅપ્ટન્સી કરતો જોવા મળશે.
ADVERTISEMENT
મેલબર્નના મેદાન પર ૧૩૯ વર્ષ બાદ એક ખાસ જીતની હૅટ-ટ્રિક થઈ શકે છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ-જીતની હૅટ-ટ્રિક કરનાર ઇંગ્લૅન્ડ બાદ ભારત બીજી વિદેશી ટીમ બની શકે છે. આ મેદાન પર ઇંગ્લૅન્ડની ટીમ જાન્યુઆરી ૧૮૮૩, જાન્યુઆરી ૧૮૮૫ અને માર્ચ ૧૮૮૫માં સળંગ ત્રણ ટેસ્ટ જીતીને આ સિદ્ધિ મેળવનારી પહેલી વિદેશી ટીમ બની હતી. ભારતીય ટીમે ૨૦૧૮માં વિરાટ કોહલી અને ૨૦૨૦માં અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીમાં સળંગ બે ટેસ્ટ આ મેદાન પર જીતી છે.
સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈ જશે ચોથી ટેસ્ટની રમત
મેલબર્નમાં આજથી શરૂ થયેલી બૉક્સિંગ ડે ટેસ્ટમાં પાંચેય દિવસ રમતની શરૂઆત ભારતીય સમય અનુસાર સવારે પાંચ વાગ્યે થશે. આજે સવારે ૪.૩૦ વાગ્યે ટૉસ બાદ પાંચથી સાત વાગ્યા સુધી પહેલા સેશનની રમત રમાશે. લંચ બાદ ૭.૪૦થી ૯.૪૦ સુધી બીજું સેશન થશે, જ્યારે ટી-બ્રેક બાદ સવારે ૧૦થી બપોરે ૧૨ વાગ્યા સુધી દિવસની રમતનું ત્રીજું અને અંતિમ સેશન રમાશે.
ગૅબા બાદ મેલબર્ન ટેસ્ટમાં પણ વરસાદ કરશે હેરાન
આજથી શરૂ થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં પણ વરસાદની શક્યતા છે. ગૅબા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ વરસાદને કારણે પાંચમા દિવસે ડ્રૉ રહી હતી. મેલબર્ન ટેસ્ટમાં આજે પહેલા દિવસે ૫૦ ટકા વરસાદની સંભાવના હતી. બીજા અને ત્રીજા સેશનમાં વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવના બીજા દિવસે ૨૦ ટકા, ત્રીજા દિવસે ૫૦ ટકા, ચોથા દિવસે ૧૦ ટકા અને પાંચમા દિવસે પાંચ ટકા જેટલી છે. વરસાદ આ મૅચનાં રિઝલ્ટ અને સિરીઝનાં રિઝલ્ટ તથા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસને પ્રભાવિત કરી શકે છે.
મેલબર્નમાં ભારતીય ટીમનો ટેસ્ટ-રેકૉર્ડ કેવો રહ્યો છે?
૧૯૪૮થી ૨૦૨૦ સુધી ભારતીય ટીમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૪ ટેસ્ટ-મૅચ રમી છે જેમાંથી માત્ર ચાર ટેસ્ટમાં જીત મળી છે અને આઠ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે બે ટેસ્ટ ડ્રૉ રહી છે. ૨૦૧૪થી ભારત આ મેદાન પર હાર્યું નથી. ૨૦૧૪ની ટેસ્ટ ડ્રૉ રહી હતી અને ૨૦૧૮ તથા ૨૦૨૦માં ભારતની જીત થઈ હતી.