Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેલબર્ન ટેસ્ટ-જીતમાં રોહિત ઍન્ડ કંપનીએ ઐતિહાસિક રન-ચેઝ કરવી પડશે

મેલબર્ન ટેસ્ટ-જીતમાં રોહિત ઍન્ડ કંપનીએ ઐતિહાસિક રન-ચેઝ કરવી પડશે

Published : 30 December, 2024 09:11 AM | Modified : 30 December, 2024 09:13 AM | IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ઇનિંગ્સમાં ભારતના ૩૬૯ રન સામે આૅસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૨૨૮ રન ફટકારીને ૩૩૩ રનની લીડ મેળવી : આ મેદાન પર માત્ર એક જ વાર થઈ છે ૩૦૦ પ્લસ ટેસ્ટ-રનની સફળ રન-ચેઝ, ભારતીય ટીમ ટેસ્ટમાં માત્ર ત્રણ વાર કરી શકી છે ૩૦૦ પ્લસનો સફળ ટાર્ગેટ ચેઝ

નૅથન લાયન (૪૧ રન) અને સ્કૉટ બોલૅન્ડ (૧૦ રન)એ છેલ્લી વિકેટ માટે ૧૧૦ બૉલમાં પંચાવન રનની પાર્ટનરશિપ કરીને ભારતીય બોલર્સને હેરાન કર્યા હતા.

નૅથન લાયન (૪૧ રન) અને સ્કૉટ બોલૅન્ડ (૧૦ રન)એ છેલ્લી વિકેટ માટે ૧૧૦ બૉલમાં પંચાવન રનની પાર્ટનરશિપ કરીને ભારતીય બોલર્સને હેરાન કર્યા હતા.


મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બૉક્સિંગ ડે ટેસ્ટનો ચોથો દિવસ પણ રોમાંચક સાબિત થયો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૧૯.૩ ઓવરમાં ભારતીય ટીમ ૩૬૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૭૪ રન ફટકારનાર કાંગારૂ ટીમે ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૮૨ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૨૮ રન બનાવ્યા છે જેને કારણે યજમાન ટીમ પાસે આજે પાંચમા દિવસની શરૂઆતમાં ૩૩૩ રનની જંગી લીડ હશે.


ચોથા દિવસે ભારતીય ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૧ બૉલમાં ૧૧ રન ઉમેરીને સમેટાઈ ગઈ હતી. સ્પિનર નૅથન લાયનની ઓવરમાં મિચલ સ્ટાર્કના હાથે નીતીશ કુમાર રેડ્ડી કૅચઆઉટ થતાં ભારતીય ઇનિંગ્સનો અંત આવ્યો હતો. નીતીશે ૧૮૯ બૉલમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૧૪ રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ ૧૫ બૉલમાં ૪ રન કરી નૉટઆઉટ રહ્યો હતો.




 ગઈ કાલે ડેન્જરસ માર્નસ લબુશેનને આઉટ કર્યા બાદ ખૂબ જ આક્રમક સેલિબ્રેશન કરી રહેલો મોહમ્મદ સિરાજ. તેણે મહત્ત્વપૂર્ણ ત્રણ વિકેટ લીધી હતી.

બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહ (૪ વિકેટ), મોહમ્મદ સિરાજ (૩ વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (૧ વિકેટ)ની ધારદાર બોલિંગના આધારે ભારતીય ટીમે કાંગારૂઓની ૩૫.૬ ઓવરમાં ૯૧ રનના સ્કોર પર ૬ વિકેટ પાડી હતી, પણ યશસ્વી જાયસવાલે છોડેલા ત્રણ સરળ કૅચને કારણે યજમાન ટીમ ૩૦૦ પ્લસની લીડ મેળવવામાં સફળ રહી છે. કૅપ્ટન પૅટ કમિન્સે (૪૧ રન) મિડલ ઑર્ડર બૅટર માર્નસ લબુશેન (૭૦ રન) સાથે સાતમી વિકેટ માટે ૧૧૬ બૉલમાં ૫૭ રનની મોટી પાર્ટનરશિપ કરી ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી પણ પૂંછડિયા બૅટર્સ નૅથન લાયન (૪૧ રન) અને સ્કૉટ બોલૅન્ડે (૧૦ રન) છેલ્લી વિકેટ માટે ૧૧૦ બૉલમાં પંચાવન રનની પાર્ટનરશિપ કરીને ભારતીય બોલર્સને હેરાન કર્યા હતા. બન્ને ૬૪.૧ ઓવરમાં ૧૭૩/૯ના સ્કોરથી ૮૨ ઓવરમાં ૨૨૮/૯ના સ્કોર સુધી ચોથા દિવસે મેદાન પર ટકી રહ્યા હતા. આજે પાંચમા દિવસે ૯૮ ઓવરની રમત ભારતીય ટીમ માટે મહત્ત્વની રહેશે, કારણ કે એનાથી જ બૉર્ડર-ગાવસકર ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારતનું ભાવિ નક્કી થશે.


શું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇતિહાસ રચી શકશે ભારતીય ટીમ?

ઑસ્ટ્રેલિયન ટીમ આજે ૩૩૩ રનની લીડ સાથે ભારતીય ટીમને ટાર્ગેટ આપવા મેદાન પર ઊતરશે. આ મેદાન પર માત્ર એક વાર ૩૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ થયો છે. ૧૯૨૮માં ઇંગ્લૅન્ડે આ મેદાન પર ૩૨૩ રનનો ટાર્ગેટ ઑસ્ટ્રેલિયા સામે ચેઝ કર્યો હતો. ભારતીય ટીમ ટેસ્ટ-ઇતિહાસમાં માત્ર ત્રણ વાર ૩૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરી શકી છે જેમાં ૧૯૭૬માં પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૪૦૩ રનનો ટાર્ગેટ, ૨૦૦૮માં ચેન્નઈ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ૩૮૭ રનનો ટાર્ગેટ અને ૨૦૨૧માં બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૨૮ રનનો ટાર્ગેટ એટલે કે મેલબર્ન ટેસ્ટ જીતવા માટે રોહિત ઍન્ડ કંપનીએ આજે ઐતિહાસિક રન-ચેઝ કરવી પડશે.

૬૩ વર્ષ બાદ ટેસ્ટ-ક્રિકેટમાં પૂંછડિયા બૅટર્સે બનાવ્યો રેકૉર્ડ

મેલબર્ન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની ૧૦મી વિકેટ માટે પહેલી ઇનિંગ્સમાં નૅથન લાયન અને સ્કૉટ બોલૅન્ડે ૫૧ બૉલમાં ૧૯ રનની અને બીજી ઇનિંગ્સમાં ૧૧૦ બૉલમાં પંચાવન રનની અણનમ પાર્ટનરશિપ કરી છે. ૧૦મી વિકેટ માટે બન્ને ઇનિંગ્સમાં ૫૦ પ્લસ બૉલનો સામનો કરવાની આ કમાલ માત્ર બીજી વાર થઈ છે. ૬૩ વર્ષ બાદ ટેસ્ટ-ક્રિકેટમાં આવી ઘટના બની છે. ઑક્ટોબર ૧૯૬૧માં લાહોરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ દરમ્યાન પાકિસ્તાનના પૂંછડિયા બૅટર્સ અફાક હુસેન અને હસીબ અહસાને ૧૦મી વિકેટ માટે અનુક્રમે ૯.૨ અને ૧૮.૧ ઓવરની પાર્ટનરશિપ કરી હતી. નૅથન લાયન અને સ્કૉટ બોલૅન્ડે ભારત સામે મેલબર્નમાં અનુક્રમે ૮.૩ અને ૧૭.૪ ઓવરની પાર્ટનરશિપ કરી છે.  

હું ૧૦૦ ટકા ફિટ છું, પાંચમા દિવસે ૨૦ ઓવર બોલિંગ કરી શકીશ : મિચલ સ્ટાર્ક

બૉર્ડર-ગાવસકર ટ્રોફીની વર્તમાન સિરીઝમાં ૧૪ વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. તેને પીઠના ભાગે દુખાવાની સમસ્યા થઈ રહી હતી. ચોથા દિવસે મોટા ભાગનો આરામ અને ફિઝિયોની મદદથી તે પાંચમા દિવસની રમત માટે ફિટ થયો છે. તેણે ફિટનેસની ચિંતાઓને નકારતાં ચોથા દિવસની રમત બાદ કહ્યું હતું કે ‘હું ૧૦૦ ટકા ફિટ છું. હું ૧૪૦ કિલોમીટરની આસપાસની ગતિથી બોલિંગ કરી શકું છું. પાંચમા દિવસે જો મને ૨૦ ઓવર બોલિંગ કરવી પડશે તો હું કરીશ.’

ભારત-આ‌ૅસ્ટ્રેલિયાની મેલબર્ન ટેસ્ટ હાઇએસ્ટ દર્શકોવાળી બૉક્સિંગ ડે ટેસ્ટ બની 

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મેલબર્ન ટેસ્ટમાં દર્શકોએ એક ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો છે. પહેલા દિવસે ૮૭,૨૪૨, બીજા દિવસે ૮૫,૧૪૭, ત્રીજા દિવસે ૮૩,૦૭૩ અને ચોથા દિવસે ૪૩,૮૬૭ દર્શકો સાથે આ ટેસ્ટને ૨,૯૯,૩૨૯ ફૅન્સ સ્ટેડિયમમાં જોવા આવ્યા હતા. આ ટેસ્ટ ઇતિહાસની હાઇએસ્ટ દર્શકોવાળી બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચ બની છે. આ પહેલાં ૨૦૧૩માં ઍશિઝ દરમ્યાન બૉક્સિંગ ડે ટેસ્ટમાં આ જ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ૨,૭૧,૮૬૫ દર્શકોનો રેકૉર્ડ બન્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2024 09:13 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK