રિષભ પંતના આત્મઘાતી શૉટ પર અકળાઈને સુનીલ ગાવસકર બોલી ઊઠ્યા...
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મેલબર્ન ટેસ્ટમાં ભારતની પહેલી ઇનિંગ્સમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતે ૩૭ બૉલમાં ૨૮ રનની ઇનિંગ્સ રમી હતી. પંચાવનમી ઓવરમાં સ્કૉટ બોલૅન્ડની બોલિંગ સામે તેણે ફાઇન લેગ પર સ્કૂપ શૉટ રમવાનો પ્રયાસ કર્યો પણ તે ડીપ થર્ડમૅનની પોઝિશન પર નૅથન લાયનના હાથે કૅચઆઉટ થયો હતો. તેના આ શૉટની કૉમેન્ટરી બૉક્સમાં સુનીલ ગાવસકરે એવી ટીકા કરી કે એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો.
રિષભ પંતના આ શૉટથી બરાબર ધૂંધવાયેલા ગાવસકર બોલી ઊઠ્યા હતા: સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ. ત્યાં બે ફીલ્ડર ઊભા છે તેમ છતાં આ શૉટ રમવામાં આવ્યો. અગાઉના શૉટ પર તે ચૂકી ગયો અને હવે જુઓ, ફીલ્ડરે તેને કૅચઆઉટ કર્યો છે. આને મફ્તમાં વિકેટ આપી કહેવાય. તમે નહીં કહી શકો કે આ તમારી નૅચરલ રમત છે. આ તમારી નૅચરલ રમત નહીં પણ મૂર્ખામીવાળો શૉટ છે. તમે તમારી ટીમને નિરાશ કરી છે. તમારે ટીમની પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ. તેણે ભારતના ડ્રેસિંગ રૂમમાં ન જવું જોઈએ, બીજા ડ્રેસિંગ રૂમમાં જવું જોઈએ.