Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાની ધરતી પર આઠમા ક્રમે સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય બૅટર બન્યો નીતીશ કુમાર રેડ્ડી

ઑસ્ટ્રેલિયાની ધરતી પર આઠમા ક્રમે સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય બૅટર બન્યો નીતીશ કુમાર રેડ્ડી

Published : 29 December, 2024 11:54 AM | IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝમાં ભારતનો હાઇએસ્ટ સ્કોરર પણ છે

નીતીશ કુમાર રેડ્ડી

નીતીશ કુમાર રેડ્ડી


નીતીશ કુમાર રેડ્ડીએ ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારીને અનેક કીર્તિમાન બનાવ્યા છે. તે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આઠમા ક્રમે બૅટિંગ કરીને સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. છેલ્લે અનિલ કુંબલેએ ૨૦૦૮માં ઍડીલેડમાં આ નંબરે ૮૭ રનની મોટી ઇનિંગ્સ રમી હતી.


નીતીશની અણનમ ૧૦૫ રનની ઇનિંગ્સ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ-ફૉર્મેટમાં નંબર ૮ કે એના નીચેના ક્રમનો હાઇએસ્ટ સ્કોર છે. તે પાંચમો વિદેશી બૅટર છે જેણે ઑસ્ટ્રેલિયામાં નંબર ૮ કે એના નીચેના ક્રમે સેન્ચુરી કરી હોય. આ બૅટિંગ ઑર્ડર પર ઑસ્ટ્રેલિયા સામે સેન્ચુરી કરનાર તે બીજો બૅટર છે. ૨૦૧૭માં રાંચી ટેસ્ટમાં વૃદ્ધિમાન સહાએ ૧૧૭ રનની ઇનિંગ્સ રમી હતી.



૨૧ વર્ષ ૨૧૬ દિવસની ઉંમરે નીતીશ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સેન્ચુરી કરનાર સચિન તેન્ડુલકર (૧૮ વર્ષ ૨૫૩ દિવસ) અને રિષભ પંત (૨૧ વર્ષ ૯૧ દિવસ) બાદ ત્રીજો યંગેસ્ટ ભારતીય બન્યો છે. મેલબર્નમાં વિનુ માંકડ (વર્ષ ૧૯૪૮) બાદ કરીઅરની પહેલી ટેસ્ટ-સેન્ચુરી કરનાર તે બીજો ભારતીય બન્યો છે.


નીતીશ બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો છે. તેણે વીરેન્દર સેહવાગ (૨૫ વર્ષ ૬૭ દિવસ)નો રેકૉર્ડ તોડ્યો છે જેણે ૨૦૦૩માં મેલબર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં ૨૩૩ બૉલમાં ૧૯૫ રનની ઇનિંગ્સ રમી હતી. તે આ ક્રમે સેન્ચુરી કરનાર યંગેસ્ટ વિદેશી પ્લેયર પણ બન્યો છે. તેણે આ મામલે ઇંગ્લૅન્ડના મૅટ પ્રાયર (૨૮ વર્ષ ૩૧૧ દિવસ)નો ૨૦૧૧નો રેકૉર્ડ તોડ્યો છે.

આ સિરીઝમાં નીતીશે ૮ સિક્સર ફટકારી છે. તેણે વિદેશી બૅટર દ્વારા ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ફટકારેલી સૌથી વધુ સિક્સરના રેકૉર્ડની બરાબરી કરી છે. ૨૦૦૨-’૦૩ની ઍશિઝમાં ઇંગ્લૅન્ડના માઇકલ વૉન અને ૨૦૦૯માં ક્રિસ ગેઇલે પણ આઠ-આઠ છગ્ગા ફટકાર્યા હતા. આ સિરીઝમાં નીતીશ ૪ મૅચની ૬ ઇનિંગ્સમાં  ૨૮૪ રન કરીને ભારતનો હાઇએસ્ટ સ્કોરર પણ છે. તેના પછી યશસ્વી જાયસવાલ છે જેણે ૨૭૫ રન કર્યા છે.


આંધ્ર ક્રિકેટ બોર્ડ તરફથી નીતીશને મળશે પચીસ લાખ રૂપિયાનું ઇનામ

આંધ્ર ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અમારા માટે આ એક ભાગ્યશાલી અને ખુશીનો દિવસ છે. અમે ખુશ છીએ કે ભારતીય ટીમમાં આંધ્રના એક પ્લેયરની પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ આંધ્ર ક્રિકેટ અસોસિએશન નીતીશ રેડ્ડીને પચીસ લાખ રૂપિયાની ઇનામી રકમ આપશે.’ 

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2024 11:54 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK