સ્મિથની ૩૪મી ટેસ્ટ-સેન્ચુરીની મદદથી આૅસ્ટ્રેલિયાએ ૪૭૪ રન ફટકાર્યા એ પછી ભારતનો દિવસના અંતે ધબડકો: ૪૧મી ઓવરમાં બે વિકેટે ૧૫૩ હતા અને ૪૫મી ઓવરમાં પાંચ વિકેટે ૧૫૯ થઈ ગયા
વિરાટ કોહલીની ભૂલને કારણે ગઈ કાલે યશસ્વી જાયસવાલની જબરદસ્ત ઇનિંગ્સનો અંત આવ્યો હતો
સ્ટીવ સ્મિથની જોરદાર સદી અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન કમિન્સની ૪૯ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ પછી ભારતીય બૅટરોએ દિવસના અંતે કરેલા ગાંડપણને પગલે બીજા દિવસે કાંગારૂઓ મજબૂત સ્થિતિમાં આવી ગયા હતા. તમે આ રિપોર્ટ વાંચતા હશો ત્યાં સુધીમાં ભારત ફૉલોઑન બચાવવામાં સફળ થશે કે નહીં એ પણ સ્પષ્ટ થઈ ગયું હશે. ગઈ કાલની રમત પૂરી થઈ ત્યારે ભારતે ૪૬ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૪ રન કર્યા હતા અને ફૉલોઑન બચાવવા એને વધુ ૧૧૧ રનની જરૂર હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં સ્મિથની ૩૪મી ટેસ્ટ-સદીની મદદથી ૪૭૪ રન કર્યા હતા. સ્મિથે ૧૯૭ બૉલમાં ૩ સિક્સર અને ૧૩ ફોરની મદદથી ૧૪૦ રન કર્યા હતા.
ભારતીય બૅટરો મેદાનમાં ઊતર્યા એ પછી ટીમને તરત જ ઝટકો લાગ્યો હતો. આ ટેસ્ટમાં ઓપનિંગમાં રમવા આવેલો કૅપ્ટન રોહિત શર્મા બીજી ઓવરમાં જ માત્ર ૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વન-ડાઉન આવેલો કે. એલ. રાહુલ ૫૧ રનના સ્કોર પર આઉટ થયો એ પછી યશસ્વી જાયસવાલ અને વિરાટ કોહલીએ ૧૦૨ રનની પાર્ટનરશિપ કરીને ટીમને સંકટમાંથી ઉગારી હતી, પણ ૪૧મી ઓવરમાં બન્ને વચ્ચેના વિચિત્ર કન્ફ્યુઝનને કારણે યશસ્વી રનઆઉટ થઈ ગયો હતો. યશસ્વીએ ૧૧૮ બૉલમાં ૮૨ રન કર્યા હતા.
ADVERTISEMENT
ગઈ કાલે ફરીથી બહારના બૉલમાં સ્ટમ્પની પાછળ કૅચ આપી બેઠો હતો વિરાટ
યશસ્વી રનઆઉટ થયો એમાં જોકે કન્ફ્યુઝન કરતાં વિરાટની ભૂલ વધારે હતી. યશસ્વી મિડ-ઑનની દિશામાં શૉટ રમીને રન લેવા દોડી ગયો હતો, જ્યારે વિરાટ તેના કૉલને પ્રતિસાદ આપીને દોડવાને બદલે પાછળ વળીને બૉલને જોતો રહ્યો હતો અને એમાં બેઉ એક જ જગ્યાએ ભેગા થઈ ગયા હતા. ક્રિકેટની ભાષામાં આવી ભૂલને ‘સ્કૂલબૉય એરર’ કહેવાય છે, કારણ કે સામાન્ય રીતે નૉન-સ્ટ્રાઇકર બૅટરે પોતાની પાછળ જતા બૉલને જોવાને બદલે બૅટરના કૉલને પ્રતિસાદ આપવાનો હોય છે.
યશસ્વી આઉટ થયો એ પછી ૪૩મી ઓવરમાં વિરાટ ફરી એક વાર ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં વિકેટકીપરના હાથે ઝિલાઈ ગયો હતો. વિરાટ આઉટ થયો એ પછી ૪૫મી ઓવરમાં નાઇટ વૉચમૅન તરીકે આવેલો આકાશ દીપ ઝીરો પર આઉટ થઈ ગયો હતો અને એ વખતે સ્કોર હતા ૧૫૯. આમ ભારત માત્ર પાંચ ઓવરમાં ૧૫૩/૨ના સ્કોરથી ૧૫૯/૫ના સ્કોર પર આવી ગયું હતું. દિવસ પૂરો થયો ત્યારે ભારતનો સ્કોર ૧૬૪ હતો તથા રિષભ પંત (૬) અને રવીન્દ્ર જાડેજા (૪) ક્રીઝ પર હતા.