૭૦ અને ૮૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલિંગ આક્રમણનો ભાગ રહેલા ઍન્ડી રૉબર્ટ્સે ભારતીય ફાસ્ટ બોલર્સમાં મોહમ્મદ શમીને સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે
ઍન્ડી રૉબર્ટ્સ
૭૦ અને ૮૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલિંગ આક્રમણનો ભાગ રહેલા ઍન્ડી રૉબર્ટ્સે ભારતીય ફાસ્ટ બોલર્સમાં મોહમ્મદ શમીને સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. ૭૩ વર્ષના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ‘મિડ-ડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મોહમ્મદ શમી હાલમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. તે જસપ્રીત બુમરાહ જેટલી વિકેટ નથી લેતો પણ શમી સંપૂર્ણ પૅકેજ છે. તેના પ્રદર્શનમાં સાતત્ય છે. શમી બૉલને સીમ અને સ્વિંગ બન્ને કરાવવામાં સક્ષમ છે. આ સિવાય તેની બોલિંગમાં પણ બુમરાહ જેવું નિયંત્રણ છે. તેણે ઑસ્ટ્રેલિયા સામેની ધ ગૅબા સ્ટેડિયમમાં આયોજિત ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ સાથે રમવું જોઈએ.’
આૅસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં એકસરખી વિકેટ ઝડપી છે શમી અને બુમરાહે
૩૪ વર્ષના મોહમ્મદ શમીએ ૬૪ ઇન્ટરનૅશનલ ટેસ્ટમાં ૧૧૨ ઇનિંગ્સમાં ૨૨૯ વિકેટ ઝડપી છે, જ્યારે ૩૧ વર્ષના બુમરાહે ૪૨ ટેસ્ટની ૮૧ ઇનિંગ્સમાં ૧૮૫ વિકેટ ઝડપી છે. ઑસ્ટ્રેલિયામાં બન્નેએ ૪૪
ટેસ્ટ-વિકેટ ઝડપી છે પણ શમીએ ૧૨ ટેસ્ટની ૨૩ ઇનિંગ્સમાં અને બુમરાહે ૯ ટેસ્ટની ૧૮ ઇનિંગ્સમાં આવું શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શમીએ ૧૮૮ મૅચમાં ૪૪૮ વિકેટ અને બુમરાહે ૨૦૧ મૅચમાં ૪૨૩ વિકેટ ઝડપી છે.