ગૅબા સ્ટેડિયમનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર ઑસ્ટ્રેલિયાનો, લોએસ્ટ ટેસ્ટ-સ્કોર ભારતનો
ગૅબા સ્ટેડિયમમાં સાથી પ્લેયર્સ સાથે બૉલ-થ્રોની પ્રૅક્ટિસ કરતો કે. એલ. રાહુલ
ઍડીલેડની ડે-નાઇટ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ છે. બીજી ટેસ્ટ જીતીને ઑસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની આ સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી, પણ બ્રિસબેનના ગૅબા સ્ટેડિયમમાં પણ રોહિત ઍન્ડ કંપની માટે ટેસ્ટ-મૅચ જીતવી સરળ નહીં હોય, કારણ કે ૩૭,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયન ટીમ માટે પોતાના ગઢ સમાન છે.
૬૬માંથી ૪૨ ટેસ્ટ જીતીને ઑસ્ટ્રેલિયન ટીમ આ મેદાનની સૌથી સફળ ટીમ રહી છે, જ્યારે ભારતીય ટીમ અહીં માત્ર એક ટેસ્ટ જીતી શકી છે. છેલ્લાં ૨૪ વર્ષની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયા આ મેદાન પર માત્ર ભારત (૨૦૨૧) અને વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૪) સામે જ ટેસ્ટ હાર્યું છે એટલે કે એકવીસમી સદીમાં ગૅબામાં માત્ર બે વાર કાંગારૂઓનો ઘમંડ તૂટ્યો છે. ૨૦૦૦ના વર્ષથી ગૅબામાં ૨૪ ટેસ્ટ રમાઈ છે જેમાંથી ચાર ટેસ્ટ ડ્રૉ રહી છે અને ૧૮ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા જીત્યું છે. આ મેદાન પર નવેમ્બર ૧૯૮૮માં વેસ્ટ ઇન્ડીઝની જીત બાદ ૨૦૨૧માં ૩૨ વર્ષ બાદ ભારતીય ટીમ ટેસ્ટમાં જીત મેળવી શકી હતી.
ADVERTISEMENT
નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હેડ કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરતો કૅપ્ટન રોહિત શર્મા
૧૯૪૬ના વર્ષમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે પહેલી ઇનિંગ્સમાં ૬૪૫ રન કરીને આ મેદાનનો સૌથી હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે ૧૯૪૭માં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે પહેલી ઇનિંગ્સમાં ૫૮ રને ઑલઆઉટ થઈને આ મેદાનનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. આ મેદાનમાં ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ ૧૭ ટેસ્ટમાં ૧૩૩૫ રન સાથે હાઇએસ્ટ સ્કોરર, જ્યારે શેન વૉર્ન ૧૧ ટેસ્ટમાં ૬૮ વિકેટ સાથે હાઇએસ્ટ વિકેટટેકર રહ્યો હતો.
ગૅબામાં ભારતનો ટેસ્ટ-રેકૉર્ડ
કુલ મૅચ - ૦૭
જીત - ૦૧
હાર - ૦૫
ડ્રૉ - ૦૧
ગૅબામાં યજમાનનો ટેસ્ટ-રેકૉર્ડ
કુલ મૅચ - ૬૬
જીત - ૪૨
હાર - ૧૦
ડ્રૉ - ૧૩
ટાઇ - ૦૧