બુમરાહે ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટવિકેટ લેનાર ભારતીય બોલર કપિલ દેવ (૫૧ વિકેટ)ના રેકૉર્ડની બરાબરી કરી હતી
જસપ્રીત બુમરાહ
ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં ૬ ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો હતો. ત્રીજી ઓવરમાં ઓપનર ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને તેણે ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટવિકેટ લેનાર ભારતીય બોલર કપિલ દેવ (૫૧ વિકેટ)ના રેકૉર્ડની બરાબરી કરી હતી, પણ સાતમી ઓવરમાં માર્નસ લબુશેનની વિકેટ ઝડપીને તેણે આ રેકૉર્ડ તોડી દીધો હતો. તે ઑસ્ટ્રેલિયામાં ૫૦ વિકેટ લેવાના મામલે ૪૧નો સૌથી સારો બોલિંગ સ્ટ્રાઇક-રેટ ધરાવતો બોલર પણ બન્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની વર્તમાન સીઝનમાં તેણે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૬૩ વિકેટ)ને પછાડીને સૌથી વધુ વિકેટ લેનાર બોલરનું સ્થાન લઈ લીધું છે. બુમરાહે આ સીઝનમાં ૧૩ મૅચની ૨૫ ઇનિંગ્સમાં ૯૭૩ રન આપીને ૬૬ વિકેટ ઝડપી છે.