ભારત ૨૬૦ રનમાં ઍલઆઉટ થયું એ પછી ઑસ્ટ્રેલિયાએ ૮૯ રનમાં સાત વિકેટ ગુમાવીને દાવ ડિક્લેર કર્યો : ભારતને ઑલમોસ્ટ ૫૪ ઓવરમાં ૨૭૫ રનનો મળ્યો હતો ટાર્ગેટ, પણ ભારતની બીજી ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં હવામાન એવું ખરાબ થયું કે મૅચ આગળ જ ન વધી
વરસાદને કારણે ધ ગૅબા સ્ટેડિયમમાં પાંચમા દિવસે ઑલમોસ્ટ પચીસ ઓવર્સની જ રમત રમાઈ
ધ ગૅબા સ્ટેડિયમમાં ગઈ કાલે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું રિઝલ્ટ મળે એવું હતું પણ વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે મૅચ આખરે ડ્રૉ રાખવી પડી હતી. ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ૭૮.૫ ઓવરમાં ૨૬૦ રન ફટકાર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૪૪૫ રન બનાવનાર ઑસ્ટ્રેલિયન ટીમે ૧૮ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૮૯ રને બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને મૅચનું રિઝલ્ટ લાવવાનો સારો પ્રયાસ કર્યો હતો પણ ભારતીય ટીમ જ્યારે ૨.૧ ઓવરમાં ૮/૦ના સ્કોર પર રમી રહી હતી ત્યારે ખરાબ પ્રકાશને કારણે રમત અટકી અને પછી વરસાદને કારણે મૅચ આગળ વધી જ ન શકી.
ધ ગૅબા સ્ટેડિયમમાં ૧૨ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ ડ્રૉ થઈ હતી. છેલ્લે નવેમ્બર ૨૦૧૨માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ ડ્રૉ થઈ હતી. આ સ્ટેડિયમમાં છેલ્લે ભારત અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-મૅચ ડિસેમ્બર ૨૦૦૩માં ડ્રૉ રહી હતી જે આ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચેની એકમાત્ર ડ્રૉ ટેસ્ટ પણ હતી.
ADVERTISEMENT
પાંચમા દિવસે ૯ વિકેટે ૨૫૨ રનથી ઇનિંગ્સની શરૂઆત કરનાર ભારતીય ટીમે ૨૪ બૉલમાં ૮ રન ઉમેર્યા હતા. આકાશ દીપ (૩૧ રન) આઉટ થનાર છેલ્લો બૅટ્સમૅન હતો જે પાર્ટટાઇમ બોલર ટ્રૅવિસ હેડનો શિકાર બન્યો હતો. આકાશ દીપે જસપ્રીત બુમરાહ (૧૦ રન અણનમ) સાથે છેલ્લી વિકેટ માટે ૪૭ રન જોડ્યા હતા. ઑસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં ૧૮૫ રનની લીડ મળી હતી. આ પહેલાં વીજળી અને વરસાદના કારણે પહેલા સેશનમાં માત્ર ૨૪ બૉલ જ ફેંકી શકાયા હતા.
બીજા સેશનમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ શરૂ થઈ હતી જેમાં ભારતીય ફાસ્ટ બોલર્સે તરખાટ મચાવ્યો હતો. બુમરાહે ૬ ઓવરમાં ૧૮ રન આપીને ઉસ્માન ખ્વાજા (૮ રન), માર્નસ લબુશેન (એક રન) અને કૅપ્ટન પૅટ કમિન્સ (બાવીસ રન)ની વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે ૭ ઓવરમાં ૩૬ રન આપીને ટ્રૅવિસ હેડ (૧૭ રન) અને સ્ટીવ સ્મિથ (ચાર રન)ની મહત્ત્વની વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશ દીપે પાંચ ઓવરમાં ૨૮ રન આપીને નૅથન મેક્સવીની (ચાર રન) અને મિચલ માર્શ (બે રન)ને આઉટ કર્યા હતા.
ગૅબા ટેસ્ટ ડ્રૉ થયા બાદ પાંચ મૅચની આ ટેસ્ટ-સિરીઝ ૧-૧થી બરાબર રહી છે.
34,227
દર્શકો પાંચમા દિવસની રમત જોવા આવ્યા હતા જે ધ ગૅબા સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટમાં એક દિવસમાં સૌથી વધુ દર્શકોનો રેકૉર્ડ છે.
ભારત-ઑસ્ટ્રેલિયાને WTCમાં ચાર-ચાર પૉઇન્ટ મળ્યા
ગૅબા ટેસ્ટ ડ્રૉ થતાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં ચાર-ચાર પૉઇન્ટ મળ્યા હતા. પહેલા ક્રમના સાઉથ આફ્રિકા બાદ પૉઇન્ટ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા બીજા ક્રમે અને ભારત ત્રીજા ક્રમે યથાવત્ છે, પણ બન્ને ટીમની પૉઇન્ટ ટકાવારી અપેક્ષા અનુસાર ઘટી ગઈ છે. ઑસ્ટ્રેલિયાની ૬૦.૭૧થી ઘટીને ૫૮.૮૯ અને ભારતની ૫૭.૨૯થી ઘટીને ૫૫.૮૮ થઈ છે.
આ બન્ને ટીમ કરતાં સાઉથ આફ્રિકા ફાઇનલિસ્ટ બનવાની રેસમાંથી સૌથી આગળ છે. તેમણે પાકિસ્તાન સામે ઘરઆંગણાની બે ટેસ્ટમાંથી માત્ર એક મૅચ જીતવી પડશે, જ્યારે ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ અને ઑસ્ટ્રેલિયાએ ભારત-શ્રીલંકા સામે મળીને ચાર ટેસ્ટ રમવાની બાકી છે. હવે પછીની દરેક ટેસ્ટના રિઝલ્ટથી WTCમાં ભારત અને ઑસ્ટ્રેલિયાનું ભાવિ નક્કી થશે. ફાઇનલિસ્ટનો દાવો મજબૂત કરવા તમામ મૅચ જીતવી જરૂરી બની છે.
WTC પૉઇન્ટ-ટેબલ |
|
સાઉથ આફ્રિકા |
૬૩.૩૩ |
ઑસ્ટ્રેલિયા |
૫૮.૮૯ |
ભારત |
૫૫.૮૮ |
ન્યુ ઝીલૅન્ડ |
૪૮.૨૧ |
શ્રીલંકા |
૪૫.૪૫ |
ઇંગ્લૅન્ડ |
૪૩.૧૮ |
પાકિસ્તાન |
૩૩.૩૩ |
બંગલાદેશ |
૩૧.૨૫ |
વેસ્ટ ઇન્ડીઝ |
૨૪.૨૪ |