ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ગઈ કાલે ૨૫ ઓવરમાં ૭૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગઈ કાલે પાંચ વિકેટ લઈને તેણે ઘણા સ્ટાર બોલર્સની બરાબરી કરી.
ઑસ્ટ્રેલિયામાં ૧૦ ટેસ્ટની ૧૯ ઇનિંગ્સમાં ૪૯ વિકેટ ઝડપી છે બુમરાહે
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ગઈ કાલે ૨૫ ઓવરમાં ૭૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગઈ કાલે પાંચ વિકેટ લઈને તેણે ઘણા સ્ટાર બોલર્સની બરાબરી કરી છે અને ઘણાને રેકૉર્ડમાં પાછળ છોડી દીધા છે. તેણે ટેસ્ટ-મૅચમાં બારમી વાર પાંચ વિકેટ લઈને ભારતીય ફાસ્ટ બોલર્સના લિસ્ટમાં ૧૧ વાર આ કમાલ કરનાર ઝહીર ખાન અને ઇશાન્ત શર્માને પાછળ છોડ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવ ૨૩ વાર આવું કરીને લિસ્ટમાં ટૉપ પર છે.
જોકે બુમરાહ સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ આઠ વાર ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર પહેલો ભારતીય બન્યો છે. કપિલ દેવ સાત વાર આ કામ કરી ચૂક્યા છે. ઑસ્ટ્રેલિયામાં આ ટેસ્ટ-સિરીઝની ૧૭ વિકેટ સાથે બુમરાહે હમણાં સુધી ૪૯ વિકેટ ઝડપી છે. આ મામલે તેણે ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે (૪૯ વિકેટ)ની બરાબરી કરી છે. આગામી સમયમાં ઑસ્ટ્રેલિયામાં વધુ ૩ વિકેટ લઈને તે આ લિસ્ટમાં ટૉપર બની જશે.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં નવમી વાર ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સની બરાબરી કરી છે. ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૧૧ વાર) અને ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન (૧૦ વાર) આ લિસ્ટમાં ટૉપર છે. વર્તમાન WTC સીઝનમાં બુમરાહના નામે ૬૨ વિકેટ છે. તે સૌથી વધુ વિકેટ લેવા મામલે અશ્વિન (૬૩ વિકેટ) બાદ બીજા ક્રમે છે.
ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વાર પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર
કપિલ દેવ - ૨૩
જસપ્રીત બુમરાહ – ૧૨
ઝહીર ખાન – ૧૧
ઇશાન્ત શર્મા - ૧૧
જવાગલ શ્રીનાથ – ૧૦
ઑસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ-વિકેટ
કપિલ દેવ – ૫૧
જસપ્રીત બુમરાહ – ૪૯
અનિલ કુંબલે – ૪૯
રવિચન્દ્રન અશ્વિન – ૪૦
બિશન સિંહ બેદી – ૩૫