પહેલા દિવસે આૅસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વગર ૧૩.૨ ઓવરમાં ૨૮ રન કર્યા, બાકીના ચાર દિવસમાં પણ વરસાદ બનશે વિલન
બ્રેક દરમ્યાન વિરાટ કોહલી અને કે. એલ. રાહુલે પૅવિલિયનમાં શૅર કર્યો હતો નાસ્તો
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટ-મૅચ કાંગારૂઓના ગઢ ધ ગૅબા સ્ટેડિયમમાં નિરાશા સાથે શરૂ થઈ હતી. બ્રિસબેનમાં ખરાબ હવામાનના અહેવાલ વચ્ચે શરૂ થયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે વરસાદના વિક્ષેપને કારણે માંડ-માંડ ૧૩.૨ ઓવરની રમત થઈ શકી હતી. ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા (૪૭ બૉલમાં ૧૯ રન) અને નૅથન મેકસ્વીની (૩૩ બૉલમાં ચાર રન)એ વિકેટ ગુમાવ્યા વગર ૨૮ રન બનાવ્યા હતા.
ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બોલર્સ ઑસ્ટ્રેલિયન બૅટર્સ પર પ્રેશર બનાવી શક્યા નહોતા. બૅટ્સમેનોએ મોટા ભાગના બૉલને છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું હતું. જ્યારે એવું લાગતું હતું કે ભારતીય બોલર્સ આક્રમક મૂડમાં છે ત્યારે વરસાદ પડ્યો અને બોલરોનો લય તૂટી ગયો. વરસાદના કારણે લંચ-બ્રેક વહેલો લેવામાં આવ્યો હતો. છઠ્ઠી ઓવરમાં જ્યારે સ્કોર ૧૯ રન હતો ત્યારે ઝરમર વરસાદને કારણે રમત પહેલી વાર બંધ કરવી પડી હતી, પણ ૧૩.૨ ઓવર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો અને રમત શરૂ જ ન થઈ શકી. જસપ્રીત બુમરાહે ૬ ઓવરમાં ૮ રન, મોહમ્મદ સિરાજે ૪ ઓવરમાં ૧૩ રન અને આકાશ દીપે ૩.૨ ઓવરમાં બે રન આપ્યા હતા.
ADVERTISEMENT
મૅચ વધુ ૧૦ બૉલ રમાઈ હોત તો દર્શકોને મોટું નુકસાન થયું હોત
ગૅબા ટેસ્ટના પહેલા દિવસે ૧૩.૨ ઓવરની જ રમત જોવા મળી, જેના કારણે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ૩૦,૧૪૫ દર્શકોને પહેલા દિવસની રમતની ટિકિટના એક મિલ્યન ઑસ્ટ્રિલયન ડૉલરથી વધુનું રીફન્ડ આપવાની જાહેરાત કરી છે. ગઈ કાલની રમતના દર્શકોને એક નિયમનો ફાયદો થયો છે. એ નિયમ પ્રમાણે જો ક્રિકેટની એક દિવસની રમત દરમ્યાન પંદરથી ઓછી ઓવર રમાય છે ત્યારે રીફન્ડ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો ૧૦ વધુ બૉલ ફેંકવામાં આવ્યા હોત તો ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ રીફન્ડ કરવાની જરૂર ન પડી હોત.
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર મૅથ્યુ હેડન ધ ગૅબા સ્ટેડિયમમાં રાષ્ટ્રગાન સમયે લઈને આવ્યા હતા ટ્રોફી
આગામી ચાર દિવસની ઓવર્સ અને સમયમાં થયો ફેરફાર
ટેસ્ટની ઓવર પૂરી કરવા માટે અમ્પાયર્સે આગામી ચાર દિવસ સુધી દરરોજ ૯૮ ઓવર રમવાની જાહેરાત કરી છે. ટેસ્ટ-મૅચના એક દિવસમાં ઑલમોસ્ટ ૯૦ ઓવર રમવામાં આવે છે. હવે મૅચ એના નિર્ધારિત સમયના અડધા કલાક પહેલાં શરૂ થશે. અગાઉ મૅચનો સમય ભારતીય સમય અનુસાર સવારે ૫.૫૦નો રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે એ સવારે ૫.૨૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
પ્લેઇંગ ઇલેવનમાં કેવા ફેરફાર થયા?
ઑસ્ટ્રેલિયન ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડના સ્થાને ઇન્જરીમાંથી સ્વસ્થ થયેલા ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને સ્થાન મળ્યું છે. ભારતીય ટીમે ગૅબા ટેસ્ટમાં બે ફેરફાર કર્યા છે. સ્પિનર્સમાં રવિચન્દ્રન અશ્વિનના સ્થાને રવીન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર્સમાં હર્ષિત રાણાના સ્થાને આકાશ દીપને પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મળી છે.
સારા તેન્ડુલકર મૅચ જોવા પહોંચી હતી
ગૅબા ટેસ્ટ ડ્રૉ થશે તો બન્ને ટીમને શું મળશે?
ગૅબા ટેસ્ટમાં બાકીના ચાર દિવસમાં પણ વરસાદના વિઘ્નની આગાહી છે. ત્રીજી ટેસ્ટ જો ડ્રૉ થશે તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં ભારત અને ઑસ્ટ્રેલિયાને ચાર-ચાર પૉઇન્ટ મળશે. જેનાથી ઑસ્ટ્રેલિયાની પૉઇન્ટ ટકાવારી ૬૦.૭૧થી ઘટીને ૫૮.૮૮ અને ભારતની ૫૭.૨૯થી ઘટીને ૫૫.૮૮ થઈ જશે. મૅચ ડ્રૉ થવાના કિસ્સામાં ભારતીય ટીમે બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની અંતિમ બે ટેસ્ટ કોઈ પણ ભોગે જીતવી જ પડશે અને અન્ય ટીમોનાં ટેસ્ટ-રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે.
ભારતીય ટીમની WTC ફાઇનલમાં પહોંચવાની સંભાવનાઓ
BGTની ભારતની સ્કોરલાઇન સંભાવનાઓ
૪-૧ : ફાઇનલ માટે કવૉલિફાય થશે
૩-૧ : ફાઇનલ માટે ક્વૉલિફાય થશે
૩-૨ : શ્રીલંકા ઑસ્ટ્રેલિયા સામે બેમાંથી એક ટેસ્ટ ડ્રૉ કરશે તો ભારત ક્વૉલિફાય થશે
૨-૨ : શ્રીલંકા ઑસ્ટ્રેલિયા સામે ૧-૦ કે ૨-૦થી સિરીઝ જીતશે તો ભારત ક્વૉલિફાય થશે