ટ્રૅવિસ હેડની શાનદાર સદીને પગલે ઑસ્ટ્રેલિયાએ ૩૩૭ રન બનાવ્યા એ પછી બોલર્સ ફરી ત્રાટક્યા
બોલ્ડ થયા બાદ ટ્રૅવિસ હેડ અને મોહમ્મદ સિરાજ વચ્ચે થઈ બોલાચાલી
ઑસ્ટ્રેલિયાના ઍડીલેડમાં આયોજિત ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટ ભારતીય ટીમની અપેક્ષાથી વિપરીત ચાલી રહી છે. પહેલી ઇનિંગ્સમાં ૪૪.૧ ઓવરમાં ૧૮૦ રને ઑલઆઉટ થયેલી ભારતીય ટીમ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને ૮૭.૩ ઓવરમાં ૩૩૭ રને રોકી શકી હતી, પણ બીજી ઇનિંગ્સમાં પોતે ૨૪ ઓવરમાં ૧૨૮ રનમાં પાંચ વિકેટ ગુમાવીને ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમ હજી ૨૯ રન પાછળ છે. પહેલી મૅચમાં ૨૯૫ રને હારનારી ઑસ્ટ્રેલિયન ટીમે બીજી ટેસ્ટમાં જબરદસ્ત વાપસી કરી છે.
બીજા દિવસે ઑસ્ટ્રેલિયન ટીમની ઇનિંગ્સની શરૂઆત ૮૬/૧ના સ્કોરથી થઈ હતી. ઉસ્માન ખ્વાજા (૧૩ રન)ની પહેલા દિવસે પડેલી વિકેટ બાદ ઓપનર નૅથન મૅક્સ્વીની (૩૯ રન) અને પિન્ક બૉલ ટેસ્ટના ટૉપસ્કોરર માર્નસ લબુશેને (૬૪ રન) બીજી વિકેટ માટે ૧૫૩ બૉલમાં ૬૭ રનની પાર્ટનરશિપ કરી હતી. ઍડીલેડમાં જન્મેલા ટ્રૅવિસ હેડે (૧૪૦ રન) ઑસ્ટ્રેલિયાને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. તેણે લબુશેન સાથે ચોથી વિકેટ માટે ૮૬ બૉલમાં ૬૫ રનની, મિચલ માર્શ (નવ રન) સાથે પાંચમી વિકેટ માટે ૫૬ બૉલમાં ૪૦ રનની, ઍલેક્સ કૅરી (૧૫ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૮૧ બૉલમાં ૭૪ રનની અને પૅટ કમિન્સ (૧૨ રન) સાથે સાતમી વિકેટ માટે ૮૧ બૉલમાં ૭૪ રનની મહત્ત્વની પાર્ટનરશિપ કરી હતી. ભારતીય ટીમ તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર-ચાર વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
પર્થ ટેસ્ટની જેમ ઍડીલેડમાં પણ ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં જબરદસ્ત વાપસી કરશે એવી આશા હતી, પણ ભારતીય બૅટર્સ ઑસ્ટ્રેલિયાના પિન્ક બૉલ સ્પેશ્યલિસ્ટ બોલર્સ સામે ફરી પાણીમાં બેસી ગયા હતા. કે. એલ. રાહુલ (સાત રન), યશસ્વી જાયસવાલ (૨૪ રન), શુભમન ગિલ (૨૮ રન), વિરાટ કોહલી (૧૧ રન) અને રોહિત શર્મા (૬ રન) ભારતીય ટીમની ઇનિંગ્સને સંભાળવામાં નિષ્ફળ ગયા હતા. આજે રિષભ પંત (૨૮ રન) અને નીતીશ કુમાર રેડ્ડી (૧૫ રન) પર ઑસ્ટ્રેલિયા સામે મોટો અને સન્માનજનક ટાર્ગેટ સેટ કરવાની જવાબદારી રહેશે.
ટેસ્ટમાં પહેલી વાર મિચલ સ્ટાર્કે શુભમન ગિલની વિકેટ લીધી
ઑસ્ટ્રેલિયાના અનુભવી બોલર મિચલ સ્ટાર્કને પહેલી વાર ટેસ્ટમાં શુભમન ગિલની વિકેટ મળી છે. શુભમન ગિલે તેની સામે ૧૩ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૭૭ બૉલનો સામનો કરીને ૨૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૨ રન ફટકાર્યા છે. વન-ડે ફૉર્મેટમાં શુભમન ગિલ આ અનુભવી બોલર સામે ૪૫ બૉલમાં ૩૮ રન ફટકારીને ત્રણ વાર આઉટ થયો છે.
ગઈ કાલે પાંચ રન વધુ બન્યા હોત તો આ રેકૉર્ડ તૂટી ગયો હોત
ઍડીલેડ ટેસ્ટના બીજા દિવસે બન્ને ટીમે મળીને ૩૭૯ રન ફટકાર્યા હતા. જો તેમણે ગઈ કાલે પાંચ રન વધુ બનાવ્યા હોત તો ડે-નાઇટ ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ તૂટી ગયો હોત. ૨૦૧૯માં ઍડીલેડમાં જ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ડે-નાઇટ ટેસ્ટ-મૅચ દરમ્યાન એક દિવસમાં ૩૮૩ રન બન્યા હતા. બીજા દિવસે ઑસ્ટ્રેલિયાની ૯ અને ભારતની પાંચ મળીને કુલ ૧૪ વિકેટ પણ પડી હતી.