૨૦૧૨માં સરકારી નોકરી છોડીને દીકરાની ક્રિકેટ-કરીઅર પર ધ્યાન ફોકસ કર્યું હતું તેના પપ્પાએ, ખરાબ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ કોચિંગની તમામ સુવિધાઓ પૂરી પાડી હતી
તસવીરોમાં યાદો
મેલબર્નમાં જે મૅચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા જેવા ધુરંધરો ફ્લૉપ થયા એમાં આંધ્ર પ્રદેશના ૨૧ વર્ષના ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ ભારતીય ક્રિકેટ પર મોટી છાપ છોડી છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવા સુધીની તેની સફરમાં તેના પરિવારે મોટાં બલિદાન આપ્યાં છે. આ બલિદાનની કહાણી વાંચી દરેક મિડલ ક્લાસ ફૅમિલીને પ્રેરણા મળશે.
નીતીશે પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટની ટ્રેઇનિંગ શરૂ કરી હતી. તેણે એટલી તાલીમ લીધી કે સ્કૂલનું હોમવર્ક કરતી વખતે તે ઊંઘી જતો, પણ તેની મહેનત આજે રંગ લાવી છે.
ADVERTISEMENT
તેના પપ્પાએ માર્ચ ૨૦૧૨માં હિન્દુસ્તાન ઝિન્કની સરકારી નોકરી છોડી દીધી હતી, કારણ કે તેમને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી શિફ્ટ થઈને રાજસ્થાનના ઉદયપુર જવાનું કહેવામાં આવ્યું હતું, પરતું નીતીશની ક્રિકેટ-કરીઅરને ધ્યાનમાં રાખીને તેમણે એનો ઇનકાર કર્યો હતો.
પચીસ વર્ષ પહેલાં રિટાયરમેન્ટ લેવાના તેમના નિર્ણય પર સંબંધીઓએ સવાલ ઉઠાવ્યા હતા. રિટાયરમેન્ટ ફન્ડમાંથી મળતા વ્યાજના પૈસાથી તેના પપ્પા ઘર ચલાવતા હતા અને નીતીશને અલગ-અલગ કોચિંગ સેશન માટે લઈ જતા હતા. તેઓ નીતીશ સામે બોલિંગ કરવા માટે કેવા બોલર્સ લાવવા ત્યાં સુધીનું કામ કર્યું હતું.
તેમણે માઇક્રો ફાઇનૅન્સિંગનો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ૨૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ તેમના જે મિત્રોએ તેમની પાસેથી લોન લીધી હતી તેમણે એ ક્યારેય પાછી નહોતી કરી એને કારણે તેમણે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
નીતીશે ૧૨-૧૩ વર્ષની ઉંમરે પોતાના પપ્પાને રડતા જોઈને નક્કી કર્યું હતું કે મારે એક કામ કરવું છે જે મારા પપ્પાની પ્રતિષ્ઠાને બચાવી શકે છે અને એ છે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું. તે એવા દરેક લોકોની આંખમાં પપ્પા માટે સન્માન જોવા માગતો હતો જેઓ તેની ટૅલન્ટની મજાક ઉડાડતા હતા.
અન્ડર-12 અને અન્ડર-14ની ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શનને જોઈને આંધ્ર ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ વડા એમએસકે પ્રસાદે તેને વિશાખાપટ્ટનમમાં અદ્યતન ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ માટે મદદ કરી હતી. ૨૦૧૭-’૧૮ની સીઝન માટે તેને અન્ડર-16માં શ્રેષ્ઠ ક્રિકેટર જગમોહન દાલમિયા અવૉર્ડ મળ્યો હતો.
IPL 2024માં ૨૦ લાખ રૂપિયામાં હૈદરાબાદ માટે રમનાર નીતીશ આગામી સીઝન માટે ૬ કરોડ માટે રીટેન થયો છે. ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશ સામે T20માં ડેબ્યુ અને હવે ઑસ્ટ્રેલિયામાં ડેબ્યુ કરી તે ભારતીય ટીમ માટે ૨૧ વર્ષની ઉંમરે ધમાલ મચાવી રહ્યો છે.
આ મિડલ ક્લાસ ફૅમિલીએ નીતીશને ઊંચી ઉડાન માટે ખુલ્લી છૂટ આપી છે. ફૅમિલી-મેમ્બર આવકનો મોટો હિસ્સો દીકરાના સપનાને સાકાર કરવા માટે રોકાણ કરવાનો જુગાર રમ્યા અને આજે તેઓ તેની સફળતા જોઈ રહ્યા છે.