ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાઇમન ડૂલે માર્યો ટૉન્ટ
સાઇમન ડૂલ
ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ઘરઆંગણે ત્રણેય મૅચ હારીને ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ચાર જીત અને એક ડ્રૉની જરૂર છે. ભારત ફાઇનલ માટે દાવેદાર બનશે કે નહીં એનો નિર્ણય ઑસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટની સિરીઝ બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં થશે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં કમબૅક કરવું ભારતીય ટીમ માટે સરળ નહીં હોય.
ભારતીય ટીમની આગામી સિરીઝ વિશે વાત કરતાં ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને હાલમાં કૉમેન્ટેટર એવા સાઇમન ડૂલે જબરદસ્ત ટૉન્ટ મારતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે ઑસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી બે સિરીઝ ભારતે જીતી છે અને એ સારી વાત છે, પરંતુ તમે ક્લીન સ્વીપનો સામનો કરીને ઑસ્ટ્રેલિયા જઈ રહ્યા છો. મને ખાતરી છે કે આખું ઑસ્ટ્રેલિયા ભારત સામેની સિરીઝની રાહ જોઈ રહ્યું છે અને દરેક મિનિટે તેઓ ભારતીય ટીમને કિવીઓ સામેની ક્લીન સ્વીપની યાદ અપાવશે. હવે વિરોધી ટીમના સ્પિનરો ભારત પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. આગામી ટેસ્ટ-સિરીઝમાં ભારતના સર્વશ્રેષ્ઠ સ્પિનર્સ રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા પર મહત્ત્વની જવાબદારી રહેશે.’