રિકી પૉન્ટિંગે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી
રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે પર્થ ટેસ્ટ-મૅચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ એવું નિવેદન આપ્યું છે જેનાથી ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થવાની સાથે થોડા દુઃખી પણ થઈ જશે.
પૉન્ટિંગે સ્ટાર સ્પોર્ટ્સના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં વિચાર્યું નહોતું કે ભારત પ્રથમ ટેસ્ટ-મૅચ જીતી શકશે. પર્થના સંજોગો તેમની અપેક્ષાઓ કરતાં સાવ અલગ હતા, પરંતુ આ ટેસ્ટ-મૅચથી વધુ એક વાત જાણવા મળી છે. મને લાગે છે કે ભારત હવે વિદેશી પરિસ્થિતિઓમાં વધુ સારું રમી રહ્યું છે, ઘરઆંગણેની પરિસ્થિતિઓમાં સારું નથી રમી રહ્યું અને પર્થ ટેસ્ટમાં પણ આ સાબિત થયું છે.’
ADVERTISEMENT
૪૯ વર્ષના રિકી પૉન્ટિંગે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી.
2024માં ઘરઆંગણે અને વિદેશમાં કેવો રહ્યો છે ભારતનો રેકૉર્ડ?
2024માં હમણાં સુધી ભારતીય ટીમે ૧૨ ટેસ્ટ રમી છે. આ વર્ષે વિદેશમાં રમેલી બન્ને ટેસ્ટમાં ભારતની જીત થઈ છે. ઘરઆંગણે રમાયેલી ૧૦માંથી ચાર ટેસ્ટમાં ભારતીય ટીમે હારનો સામનો કર્યો છે.
આ વર્ષે ભારતે ત્રણ વન-ડે મૅચ શ્રીલંકા સામે જ રમી છે. વિદેશમાં રમાયેલી આ ત્રણ મૅચમાંથી એક મૅચ ટાઇ રહી અને બે મૅચમાં ભારતીય ટીમ હારી હતી.
આ વર્ષે T20 ઇન્ટરનૅશનલમાં ૨૬માંથી ૨૦ મૅચ ભારત વિદેશી પિચ પર રમ્યું છે જેમાંથી ૧૭ મૅચ ભારતે અને બે મૅચ યજમાન ટીમે જીતી હતી, જ્યારે એક મૅચ ટાઇ રહી છે. ભારતમાં રમાયેલી ૬માંથી પાંચ મૅચ ભારતીય ટીમે જીતી છે અને એક મૅચ ટાઇ રહી છે.