એક સીઝનમાં ૯૦૦થી વધુ રન બનાવ્યા છે અને ૩૦થી વધુ વિકેટ લઈ ચૂક્યો છે આ આૅલરાઉન્ડર
બો વેબસ્ટર
પર્થ ટેસ્ટ દરમ્યાન મિચલ માર્શના સ્નાયુઓમાં ઇન્જરી થઈ હતી. ઍડીલેડમાં રમાનારી બીજી ટેસ્ટમાં તેનું રમવું શંકાસ્પદ છે તેથી ઑસ્ટ્રેલિયન ટીમે ગઈ કાલે ૩૦ વર્ષના અનકૅપ્ડ ઑલરાઉન્ડર બો વેબસ્ટરને બીજી ટેસ્ટ માટે સ્ક્વૉડમાં સામેલ કર્યો છે. ફાસ્ટ બોલિંગની સાથે ઑફ-સ્પિન બોલિંગ અને ઓપનિંગ બૅટિંગ કરવાની ક્ષમતા ધરાવતા આ ઑલરાઉન્ડરે ઇન્ડિયા A સામેની બે અનઑફિશ્યલ ટેસ્ટમાં ૧૪૫ રન ફટકારીને ૭ વિકેટ પણ લીધી હતી.
ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટની ૨૦૨૩-’૨૪ની સીઝનમાં તેણે ૯૦૦ રન બનાવવાની અને ૩૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ ટુર્નામેન્ટનાં ૧૩૨ વર્ષના ઇતિહાસમાં આવું કરનાર તે માત્ર બીજો પ્લેયર છે. ઑસ્ટ્રેલિયન ટીમમાં સામેલ વેબસ્ટરને ભારત સામેની ટેસ્ટમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુની તક મળી શકે છે.
ADVERTISEMENT
ક્રિકેટ-કરીઅરમાં કેવો રહ્યો છે રેકૉર્ડ?
૨૦૧૪માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર વેબસ્ટરે ૯૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૫૨૯૭ રન ફટકારીને ૧૪૮ વિકેટ ઝડપી છે. લિસ્ટ-Aની ૫૪ મૅચમાં તેના નામે ૧૩૧૭ રન અને ૪૪ વિકેટ છે, જ્યારે ફ્રૅન્ચાઇઝી લીગ સહિતની ૮૯ T20 મૅચમાં તેણે ૨૧ વિકેટ ઝડપીને ૧૬૩૦ રન ફટકાર્યા છે.