વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને દેશના વડા પ્રધાનની હાજરીને લીધે અનોખો ઉત્સાહ : ચાહકોને મોદી અને અલ્બનીઝની કૉમેન્ટરીની પણ મળી શકે છે સરપ્રાઇઝ
India vs Australia
આજે નરેન્દ્ર મોદી મૅચ માણવા આવવાના હોવાથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સ્ટેડિયમમાં જઈને બધી જ તૈયારીઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજથી વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ચોથી અને નિર્ણાયક ટેસ્ટ-મૅચ (સવારે ૯.૩૦ વાગ્યાથી) શરૂ થઈ રહી છે. ભારત સિરીઝમાં ૨-૧થી આગળ છે. નાગપુર અને દિલ્હીમાં રોહિતસેનાએ દમ બતાવ્યો હતો, પણ ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં કાંગારૂઓએ કમાલનું કમબૅક કર્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન પાકું કરવા માટે પણ ભારતે આ ટેસ્ટ જીતવી જરૂરી છે. જો ભારત આ ટેસ્ટ જીતશે તો સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશ કરશેે, પણ હારશે તો તેમણે શ્રીલંકાના ભરોસે રહેવું પડશે. આજથી જ શરૂ થયેલી ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝની બન્ને ટેસ્ટ જો શ્રીલંકા જીતશે તો તેઓ ફાઇનલમાં પ્રવેશ કરશે. અન્ય કોઈ પણ પરિણામ ભારતને ફાઇનલ-પ્રવેશ કરાવી દેશે.
પિચ વિશે હજી સસ્પેન્સ
ADVERTISEMENT
ગુજરાત ક્રિકેટ અસોસિએશનના જણાવ્યા પ્રમાણે તેમણે એક કાળી અને બીજી લાલ માટીની એમ બે પિચ તૈયાર કરી છે. પિચ ક્યુરેટરના મત પ્રમાણે આ પિચ પર ફાસ્ટ અને સ્પિન બન્ને બોલરોને મદદરૂપ થશે અને અગાઉની ત્રણેય ટેસ્ટની જેમ આ ટેસ્ટ ત્રણ દિવસની અંદર પૂરી નહીં થાય. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથને પણ આ પિચ અગાઉની ત્રણેય ટેસ્ટની પિચ કરતાં અલગ લાગે છે અને બૅટિંગ માટે આ પિચ શ્રેષ્ઠ લાગી રહી છે. જોકે કાળી કે લાલ, કઈ પિચ પર મૅચ રમાશે એ વિશે સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું.
ભરતને સ્થાને કિશન?
ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટમાં બૅટરોના ફ્લૉપ શૉને લીધે થોડીક સાવધ થઈ ગઈ હશે અને બૅટિંગ લાઇન-અપ મજબૂત કરવા આજે વિકેટકીપર બૅટર શ્રીકર ભરતને બદલે ઈશાન કિશનને મોકો આપી શકે છે. આ ઉપરાંત મોહમ્મદ શમીનું પણ ઉમેશ યાદવના સ્થાને કમબૅક થઈ શકે છે.
સવારે પાંચ વાગ્યાથી એન્ટ્રી
સ્ટેડિયમના નામકરણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર આવી રહ્યા હોવાથી ચાહકોમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ પ્રસંગને યાદગાર બનાવવાના મૂડમાં છે. નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ આજે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ પધારવાના છે. ચર્ચા પ્રમાણે સ્થાનિક નેતાઓ દ્વારા કાર્યકરોને સવારે ૭ વાગ્યા પહેલાં સ્ટેડિયમમાં આવી જવા અપીલ કરી હોવાથી ઑર્ગેનાઇઝરોએ સાવધાની વર્તતા સ્ટેડિયમના ગેટ સવારે પાંચ વાગ્યાથી પ્રવેશ માટે ખોલી દેવાના છે.
મોદીજી બનશે કૉમેન્ટેટર?
ચર્ચા પ્રમાણે આજે બન્ને દેશના વડા પ્રધાન ૮.૩૦ વાગ્યે પધાર્યા બાદ ટૉસ પહેલાં બન્ને ટીમને મળશે. ત્યાર બાદ તેઓ બન્ને કૉમેન્ટરી-બૉક્સમાં જશે અને થોડો સમય ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઇંગ્લિશમાં અને નરેન્દ્ર મોદી હિન્દીમાં કૉમેન્ટરી આપી શકે છે. જોકે આ બાબતે પીએમઓ ઑફિસ કે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.