પહેલી વાર વિમેન્સ લિસ્ટ A ક્રિકેટની મૅચમાં બન્યા ૭૦૦ પ્લસ રન: બંગાળની ટીમે હરિયાણા સામે ૩૯૦ રનનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો
શફાલી વર્મા
ગઈ કાલે રાજકોટમાં સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફીમાં બંગાળ અને હરિયાણાની ટીમ વચ્ચે રેકૉર્ડબ્રેકિંગ મૅચ રમાઈ હતી. ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં હરિયાણાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૮૯ રન ફટકાર્યા હતા. જવાબમાં બંગાળની ટીમે પાંચ વિકેટ ગુમાવી એક બૉલ પહેલાં ૩૯૦ રન કરી આ વિમેન્સ લિસ્ટ A ક્રિકેટનો સૌથી મોટો સફળ ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો.
મૅચમાં કુલ ૭૭૯ રન બન્યા હતા જે વિમેન્સ લિસ્ટ A ક્રિકેટનો સૌથી મોટો અને પહેલો ૭૦૦ પ્લસ રનનો કુલ સ્કોર હતો. ભારતીય ટીમમાંથી ડ્રૉપ થયેલી ઓપનર શફાલી વર્માએ આ મૅચમાં ૧૧૫ બૉલમાં ૧૯૭ રન કર્યા હતા જે લિસ્ટ A ક્રિકેટમાં તેનો સૌથી મોટો સ્કોર હતો. તેણે આ ઇનિંગ્સમાં બાવીસ ચોગ્ગા અને ૧૧ છગ્ગા ફટકાર્યા હતા. તે વિમેન્સ લિસ્ટ A ક્રિકેટમાં ૧૦ પ્લસ છગ્ગા ફટકારનાર પહેલી ભારતીય બની છે. ૧૧ છગ્ગા સાથે તેણે પાકિસ્તાની ક્રિકેટર ઇમાદ જાવેદના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે.