વાયકૉમ18 પાંચ વર્ષના મીડિયા રાઇટ્સ માટે આપશે ૯૫૧ કરોડ રૂપિયા
આઇપીએલ ટ્રોફી તસવીર સૌજન્ય મિડ-ડે
આગામી માર્ચમાં પહેલી વાર રમાનારી વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબ્લ્યુઆઇપીએલ) માટેના મીડિયા રાઇટ્સનું તાજેતરમાં જે ઑક્શન થયું હતું એ માટેનાં ટેન્ડર ખરીદનાર આઠમાંથી માત્ર બે પાર્ટીએ હરાજીમાં ભાગ લીધો હતો અને એમાંથી વાયકૉમ18એ પાંચ વર્ષ (૨૦૨૩થી ૨૦૨૭) માટેનો કૉન્ટ્રૅક્ટ જીતી લીધો છે જે મુજબ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને વાયકૉમ-18 આ પાંચ વર્ષના સમયગાળા માટે કુલ ૯૫૧ કરોડ રૂપિયા ચૂકવશે. ઑક્શનમાં ડિઝની સ્ટારે પણ ભાગ લીધો હતો. વાયકૉમ-18એ મેળવેલો કૉન્ટ્રૅક્ટ ભારત સહિત જાગતિક સ્તરના પ્રસારણ સંબંધમાં લાઇનિયર ટીવી તથા ડિજિટલ બન્નેને આવરી લેશે. વિમેન્સ આઇપીએલમાં પાંચ ફ્રૅન્ચાઇઝી ભાગ લેશે અને પહેલી ત્રણ સીઝનમાં (પ્રતિ સીઝન) કુલ બાવીસ મૅચ રમાશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગઈ કાલે ટ્વિટર પર કરેલી જાહેરાતમાં આ ડીલને ‘તોતિંગ’ ગણાવતાં જણાવ્યું હતું કે ‘કરારની રકમને ધ્યાનમાં લઈએ તો વિમેન્સ આઇપીએલની એક મૅચનું મૂલ્ય ૭.૦૯ કરોડ રૂપિયા થાય છે. ગયા જૂનમાં મેન્સ આઇપીએલ માટેનું ડીલ ડિઝની સ્ટાર તથા વાયકૉમ-18એ કુલ ૪૮,૩૯૦.૫ કરોડ રૂપિયામાં મેળવ્યું અને એનું મૅચદીઠ મૂલ્ય ૫૮ કરોડ રૂપિયા છે. વિમેન્સ આઇપીએલ માટેનું ડીલ વિશ્વસ્તરે મહિલા ક્રિકેટમાં મોટું પરિવર્તન લાવશે.

