ભારતની વિશ્વવિજેતા ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમ માટે બીસીસીઆઇનું પાંચ કરોડ રૂપિયાનું ઇનામ, ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને ૮.૮૦ કરોડ રૂપિયા મળ્યા હતા
શેફાલીની શેરનીઓ ત્રણ રીતે ધોનીના ધુરંધરો જેવી
શેફાલી વર્માના સુકાનમાં ભારતની ટી૨૦ ટીમ અન્ડર-19 વર્લ્ડ કપની જે ટ્રોફી જીતી લાવી એ ભારતીય મહિલા ક્રિકેટની ઝોળીમાં આવેલી પહેલી આઇસીસી ટ્રોફી છે. અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જુનિયર ગર્લ્સ ટીમનું સચિન તેન્ડુલકર, બીસીસીઆઇના પ્રમુખ રૉજર બિન્ની, સેક્રેટરી જય શાહ તેમ જ બીસીસીઆઇના બીજા ટોચના હોદ્દેદારો આશિષ શેલાર તથા રાજીવ શુક્લાની ઉપસ્થિતિમાં ભવ્ય બહુમાન કરવામાં આવ્યું એ પછી આ ચૅમ્પિયન ટીમે મેદાન પર વિજયી પરેડ કાઢી હતી. ૨૦૦૭માં ધોનીની ચૅમ્પિયન ટીમે જોહનિસબર્ગના ગ્રાઉન્ડ પર પરેડની મોજ માણી હતી.
૨૦૦૭માં ટ્રોફી જીતીને આવેલી ધોનીની ટીમને બીસીસીઆઇ તરફથી ૨૦ લાખ ડૉલર (એ સમયની ડૉલરની કિંમત મુજબ અંદાજે ૮.૮૦ કરોડ રૂપિયા)નું રોકડ ઇનામ મળ્યું હતું, ખેલાડીઓને બીજાં કૅશ પ્રાઇઝ પણ મળ્યાં હતાં. શેફાલી વર્માના સુકાનમાં ચૅમ્પિયન બનીને આવેલી ટીમને બીસીસીઆઇએ બુધવારના અમદાવાદના સમારોહમાં પાંચ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ કુલ ઇનામ ટીમની પ્લેયર્સ તથા સ્ટાફ-મેમ્બર્સ વચ્ચે વહેંચવામાં આવશે.
ADVERTISEMENT
ધોની અને શેફાલીની ટીમ વચ્ચે ત્રણ સામ્ય
(૧) ૨૦૦૭માં ધોનીની ટીમ સૌપ્રથમ મેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. શેફાલી વર્માની ટીમ જે ટ્રોફી જીતી એ ગર્લ્સ અન્ડર-19 ટીમના વર્લ્ડ કપની પહેલી ટ્રોફી છે.
(૨) બન્ને ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી.
(૩) બન્ને ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ ફાસ્ટ બોલર જીત્યા હતા. ૨૦૦૭માં પાકિસ્તાન સામેની ફાઇનલમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ આ અવૉર્ડ જીત્યો હતો, ગયા મહિને ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં રાઇટ-આર્મ ફાસ્ટ બોલર તિતાસ સાધુ આ પુરસ્કાર જીતી હતી.

