બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાંતોની શેખી
બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાંતો
૨૦ ફેબ્રુઆરીએ બંગલાદેશની ટીમ ભારતીય ટીમ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીના અભિયાનની શરૂઆત કરશે. એ પહેલાં બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાંતોએ મોટો દાવો કર્યો છે. ૨૬ વર્ષનો આ કૅપ્ટન કહે છે, ‘અમે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચૅમ્પિયન બનવા જઈ રહ્યા છીએ. આ ટુર્નામેન્ટની તમામ આઠ ટીમ ચૅમ્પિયન બનવાને હકદાર છે. એ તમામ શ્રેષ્ઠ છે. મારું માનવું છે કે અમારી ટીમમાં ક્ષમતા છે. દરેક પ્લેયર ચૅમ્પિયન બનવા માગે છે અને પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. અમે નથી જાણતા કે અલ્લાહે અમારા ભાગ્યમાં શું લખ્યું છે. અમે સખત મહેનત કરીને અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. મને વિશ્વાસ છે કે અમે અમારા લક્ષ્યને પૂરું કરવામાં સફળ રહીશું. ટીમમાં રહેલા ૧૫ પ્લેયર્સ સાથે હું ખૂબ જ ખુશ અને કૉન્ફિડન્ટ છું. દરેક પ્લેયર એકલા હાથે મૅચ જીતવાની ક્ષમતા ધરાવે છે.’
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં બંગલાદેશની ટીમ ૯માંથી ૭ મૅચ હારી હતી. માત્ર બે મૅચ જીતનાર આ ટીમ સારા નેટ રન-રેટને કારણે પૉઇન્ટ્સ ટેબલમાં આઠમા ક્રમે રહીને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થઈ છે. વર્લ્ડ કપ બાદ રમાયેલી ચાર વન-ડે સિરીઝમાંથી માત્ર એક સિરીઝમાં બંગલાદેશની જીત થઈ છે. આ સિરીઝ દરમ્યાન રમાયેલી ૧૨માંથી માત્ર ચાર મૅચ બંગલાદેશી ટીમ જીતી શકી છે. બાકીની આઠ મૅચમાં આ ટીમે હારનો સામનો કર્યો છે.

