એમ. ચેન્નાસ્વામી મેદાનમાં પાટીદાર અને હેઝલવુડની ખોટ સાલશે તો બુમરાહની ખોટ આર્ચર પૂરશે એવી રોહિતના ધુરંધરોને આશા
મુંબઈ સામે દબદબો કાયમ રાખવા માગશે બૅન્ગલોર
બૅન્ગલોરની ટીમ આજે ઘરઆંગણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈ સામે પોતાનો જીતનો દબદબો કાયમ રાખવા માગશે. આઇપીએલ ૨૦૨૦થી છેલ્લી પાંચ પૈકી સતત ત્રણ મૅચમાં વિજય નોંધાવ્યો છે. બૅન્ગલોરને રજત પાટીદાર અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓની ગેરહાજરી વર્તાશે, જેઓ ઇજાને કારણે લગભગ અડધી આઇપીએલ ગુમાવશે. ઇંગ્લૅન્ડનો વિલ જેક્સ આખી સીઝન ગુમાવશે. ઑસ્ટ્રેલિયાનો મૅક્સવેલ કેવી રમત દેખાડશે એના પર બધો મદાર છે, જે તાજેતરમાં ભારત સામે છેલ્લી બે વન-ડે રમ્યો નહોતો.
પાટીદાર ગયા વર્ષે બૅન્ગલોરનો ત્રીજા ક્રમાંકનો સૌથી વધુ સ્કોરર હતો, જેણે આઠ મૅચમાં ૩૩૩ રન બનાવ્યા હતા. તેણે ક્વૉલિફાયર-૧માં આઇપીએલમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાનો હેઝલવુડ ૨૦ મૅચમાં ૨૦ વિકેટ સાથે ટીમનો બીજો સૌથી સફળ બોલર હતો. બૅન્ગલોરે શ્રીલંકાના સ્પિનર ખેલાડી વાનિન્દુ હસરંગાની પણ રાહ જોવી પડશે, જે હાલ ન્યુ ઝીલૅન્ડમાં હોવાથી શરૂઆતની કેટલીક મૅચો ચૂકી જશે. લોઅર ઑર્ડરમાં માઇકલ બ્રેસવેલ અને દિનેશ કાર્તિક જેવા ખેલાડી પણ છે.
બીજી તરફ મુંબઈએ છેલ્લી આઇપીએલનો અંત પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને ૧૪ મૅચમાં માત્ર ૪ જીત સાથે કર્યો હતો. જોકે પાંચ ટ્રોફી સાથે મુંબઈ આઇપીએલની સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમને સફળ બોલર જસપ્રીત બુમરાહ અને ઝાય રિચર્ડસનની ખોટ સાલશે. મુંબઈની તમામ આશા જોફ્રા આર્ચર પર છે. આ ઉપરાંત આકાશ માધવન અને ઑસ્ટ્રેલિયાનો જેસન બેહરેનડોર્ફ પણ છે. બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં અનુભવી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ છે. તો તિલક વર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રીસ્ટન સ્ટબ્સ અને ટિમ ડેવિડ જેવા યુવા ખેલાડીઓ છે. ઈશાન કિશન બૅટિંગમાં સાતત્ય દેખાડશે એવી આશા છે. સ્પિન ડિપાર્ટમેન્ટ એટલો મજબૂત નથી. અનુભવી પીયૂષ ચાવલા ઉપરાંત કુમાર કાર્તિકેય પણ છે.